Coromandel Train Accident Update: બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેકને રિપેર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 46નો રૂટ બદલવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ થવાની ધારણા છે. તે જ સમયે, આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા જશે અને ઘાયલોને મળશે.






બાલાસોરમાં કાટમાળ હટાવવામાં લાગ્યા 1 હજાર મજૂરો


કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર રાતોરાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાલાસોરમાં એક હજારથી વધુ મજૂરો આખી રાત કાટમાળ હટાવતા રહ્યા. રેલ્વે મંત્રીએ કાટમાળ હટાવવાના કામમાં લાગેલા કર્મચારીઓને માર્ગદર્શિકા આપી હતી. 7 પોલ્કેન મશીન, 5 જેસીબી અને 2 મોટી ક્રેન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.


પાટા નાખવાનું કામ પણ શરૂ


શનિવારે રાત્રે એક તરફ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તો બીજી તરફ પાટા નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. શક્ય તેટલી વહેલી તકે ટ્રેન સેવાઓ સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી...


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. અકસ્માત બાદ કુલ 1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 793 લોકોને રજા આપવામાં આવી છે જ્યારે 382 લોકોની સારવાર ચાલી રહી છે. સત્તાવાર માહિતી અનુસાર બે લોકોની હાલત હજુ પણ ગંભીર છે. જ્યારે અન્ય લોકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. બંને એક્સપ્રેસ ટ્રેનોમાં આરક્ષિત ટિકિટ સાથે 2,200થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.


 90 ટ્રેનો રદ્દ-46નો બદલાયો રૂટ..


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગલા દિવસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં પીડિતોને પણ મળ્યા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ કેસમાં દોષિતોને છોડવામાં આવશે નહીં. સરકાર ઘાયલોને સંભવિત મદદ માટે તૈયાર છે.