વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, 2019ની ચૂંટણીના પરિણામો બાદ નૃપેન્દ્ર મિશ્રાએ જાતે જ પ્રિન્સિપલ સેક્રેટરીના પદ પરથી નિવૃત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ત્યારે મેં તેમને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી સેવા આપવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે મારા માટે દિલ્હી નવી હતી અને નૃપેન્દ્ર મિશ્રા પણ નવા હતા. પરંતુ દિલ્હીની શાસન વ્યવસ્થાથી તેઓ પરીચિત હતા. તે પરિસ્થિતિમાં તેમણે પ્રિન્સિપલ સેક્રેટરીના રૂપમાં પોતાની સેવાઓ આપી છે. તેમણે મારી ખૂબ મદદ કરી. તેમણે પાંચ વર્ષ સુધી દેશને આગળ લઇ જવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
નૃપેન્દ્ર મિશ્રા ઉત્તર પ્રદેશ કેડરના 1967 બેન્ચના આઇએએસ અધિકારી છે. 1945માં જન્મેલા મિશ્રા હાવર્ડ યુનિવર્સિટીથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ કર્યું છે. ઇલાહાબાદ યુનિવર્સિટીથી તેમણે એમએ કર્યું છે. નૃપેન્દ્ર મિશ્રાની છબિ ઇમાનદાર અધિકારીની રહી છે. તેઓ ઉત્તર પ્રદેશમાં મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. મુલાયમ સિંહ યાદવ અને કલ્યાણસિંહ જેવા નેતાઓના તેઓ નજીક રહ્યા છે. તેઓ 2006થી 2009 વચ્ચે ટ્રાઇના ચેરમેન પણ રહ્યા હતા. તેમની આગેવાનીમાં ટ્રાઇએ ઓગસ્ટ 2007માં ભલામણ કરી હતી કે સ્પેક્ટ્રમની હરાજી કરવી જોઇએ નહી.