Railway Compensation For Death: રેલવેએ રવિવારે (4 જૂન) કહ્યું કે જેઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે. ટિકિટ વગરના મુસાફરોને પણ સહાય આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કરવામાં આવશે.
રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, મુસાફરો પાસે ટિકિટ હોય કે ન હોય, તેમને સહાય આપવામાં આવશે. રેલ્વે બોર્ડના ઓપરેશન્સ મેમ્બર જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરેક ઘાયલ મુસાફરની સાથે સ્કાઉટ અથવા ગાઈડ હોય છે, જે તેના નજીકના સંબંધીઓને શોધવામાં મદદ કરે છે.
139 પર વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે
જયા વર્મા સિન્હાએ કહ્યું કે હેલ્પલાઈન નંબર 139 પર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલ અથવા મૃતકોના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે ખાતરી કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમની મુસાફરી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું.
મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા
રેલવેએ એમ પણ કહ્યું હતું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલા સહાયની રકમ મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાઓ માટે રૂ. 50,000 આપવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય સતત ચાલુ છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ હવે CBIના હવાલે
ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ પાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે પણ વહીવટી માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ભલામણ કરી છે કે, સીબીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે.