બાલાસોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોરમાં રેલવે દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ઘટનાની જાણકારી આપી હતી. નોંધનીય છે કે ગઈકાલે સાંજે અહીં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.






વડાપ્રધાન મોદી બાલાસોરની હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.  650થી વધારે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વડાપ્રધાને ફોન પર વાત કરી હતી અને ઈજાગ્રસ્તોને તમામ મદદ કરવાની સૂચના આપી હતી.


દરમિયાન વડાપ્રધાન મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને ઉત્તમ સારવાર મળશે. સરકાર મૃતકોના પરિવારજનોની સાથે છે. દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે. દોષિતને કડકમાં કડક સજા કરાશે. જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.  સરકાર દરેક પ્રકારની મદદ કરશે. સ્થાનિક લોકોએ ખૂબ જ મહેનત કરી છે.


 










પીએમ મોદીએ બોલાવી ઈમરજન્સી મીટિંગ


ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે થયેલા અકસ્માતમાં પીએમ મોદી એક્શન મોડમાં આવ્યા છે, તેમણે અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.






ઓડિશા અકસ્માત બાદ PM મોદીએ કાર્યક્રમ કર્યો રદ


ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. અકસ્માતને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અકસ્માતની ગંભીરતાને જોતા વડાપ્રધાનના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પીએમ મોદી શનિવારે મુંબઈ-ગોવા માટે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જે મોકૂફ રાખવામાં આવી છે. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ ટ્વીટ કર્યું અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી.


ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક ફરી વધ્યો
ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે. દુર્ઘટનાને 15 કલાકથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ ટ્રેનની બોગીમાં લોકો ફસાયા હોવાના સમાચાર છે.


અકસ્માત બાદ વળતરની જાહેરાત


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ દર્દનાક અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.