Omar Abdullah On Statehood Demand:  જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ સોમવારે (28 એપ્રિલ) પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. આ પ્રસંગે ભાવુક થઈ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે 21 વર્ષ પછી આવા હુમલા જોવા મળ્યા છે. મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી.

આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે હું આ તકનો ઉપયોગ પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવા માટે નહીં કરું. તેમણે કહ્યું, "જમ્મુ-કાશ્મીરની સુરક્ષા જમ્મુ-કાશ્મીરની ચૂંટાયેલી સરકારની પાસે નથી.  પરંતુ હું આ તકનો ઉપયોગ પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવા માટે નહીં કરું."

શું મારી રાજનીતિ એટલી સસ્તી છે- ઓમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, " હું ક્યાં મોઢે આ પહેલગામની ઘટનાનો ઉપયોગ કરીને કેન્દ્રને કહું કે મને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો. મારી શું આટલી સસ્તી રાજનીતિ છે ? શું મને 26 લોકોના મોતની આટલી ઓછીપરવા છે? અમે ભૂતકાળમાં પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે અને ભવિષ્યમાં પણ વાત કરીશું, પરંતુ લાનત છે મારા પર જો આજે હું કેન્દ્રમાં જઈને કહું કે મને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપો."

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "આ પ્રસંગે કોઈ રાજનીતિ, ન કોઈ પૂર્ણ રાજ્યનો દરજ્, ન તો બીજું કંઈ... અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ. 

તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. આ સાથે જમ્મુ અને કાશ્મીરને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનેક પ્રસંગોએ કહ્યું છે કે યોગ્ય સમયે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.