Shrikant Tyagi Arrested: ઉત્તર પ્રદેશના નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે.


નોંધનીય છે કે, આ પહેલા નોઈડાના સેક્ટર-93બીમાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના મામલામાં મુખ્ય આરોપી શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. સોમવારે સવારે નોઈડા ઓથોરિટી નોઈડાના સેક્ટર 93માં આવેલી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં પહોંચી અને શ્રીકાંત ત્યાગીના આવાસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.


ધરપકડ પહેલા શ્રીકાંતનું છેલ્લું લોકેશન ઉત્તરાખંડના ઋષિકેશમાં મળી આવ્યું છે. ઘણી વખત તેનો મોબાઈલ સ્વીચ ઓફ અને ઓન થતો હતો. નોઈડા પોલીસની ઘણી ટીમો ઉત્તરાખંડમાં શ્રીકાંત ત્યાગીને શોધી રહી હતી. શ્રીકાંત ત્યાગી કેસ પર યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું હતું કે સીએમએ સમગ્ર મામલાની સંજ્ઞાન લીધી છે, અમે આરોપીઓને છોડીશું નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં રહેતા શ્રીકાંત ત્યાગીનો શુક્રવારે મહિલાઓ સાથે કેટલાક રોપા વાવવાને લઈને વિવાદ થયો હતો. મહિલાઓએ શ્રીકાંત ત્યાગી પર રોપાઓ લગાવીને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીકાંતે મહિલા સાથે અભદ્ર વર્તન કરીને તેને ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી નેતા વિરુદ્ધ છેડતીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


ભાજપના સાંસદનું નિવેદન


શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ સાંસદ મહેશ શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વાસ અપાવ્યો હતો અને આપણી માતૃશક્તિ વિશ્વાસ કરી શકે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને પ્રશાસન સાથે ઉભા હોય છે. મહેશ શર્માએ જણાવ્યું કે તેણે ADG લો એન્ડ ઓર્ડર સાથે એક કલાક પહેલા જ વાત કરી હતી. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.


શ્રીકાંત ત્યાગીની ધરપકડમાં એસટીએફની 12 ટીમો અને અન્ય પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેની શોધ માટે યુપીથી ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે UP ADG (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ગુપ્તચર વિભાગની ટીમો પાસેથી સહકાર મેળવવાની વાત પણ કરી હતી.