Omicron Variant: દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીના નવા પ્રકારના 36 કેસ નોંધાયા છે. નાગપુરના મ્યુનિસિપલ કમિશ્નર રાધાક્રિષ્નન બી ના જણાવ્યા મુજબ, 40 વર્ષીય પુરુષમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. નાગપુરનો આ પ્રથમ ઓમિક્રોન કેસ છે.


ઈટાલીથી ચંદીગઢ આવેલા 20 વર્ષીય યુવકને ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે. માહિતી અનુસાર, તે 22 નવેમ્બરે ભારત આવ્યો હતો અને તપાસમાં તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, તે આયર્લેન્ડથી અહીં પહોંચ્યો છે.





દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ


નાગપુર, ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં ઓમિક્રોનના નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 36 થઈ ગઈ છે. ચંદીગઢમાં, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત યુવકને ફાઈઝર રસીના બંને ડોઝ મળ્યા છે. ચંદીગઢ હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર યુવકની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી. જેમાં તેને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો.


કયા રાજ્યમાં કેટલા કેસ


ચંદીગઢ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 36 કેસ મળી આવ્યા છે. Omicron ના લક્ષણો બધા દર્દીઓમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18 કેસ મળી આવ્યા છે. રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2 કેસ નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે. ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં ઓમિક્રોનથી સંક્રમિત એક-એક દર્દી મળી આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશ્વભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વારંવાર લોકોને માસ્ક પહેરવા અને વિશેષ સાવચેતી રાખવાની ચેતવણી આપી રહી છે.