Jammu Kashmir  : જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક મોટો અકસ્માત થયો છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 56 લોકો ઘાયલ થયા છે. એડીસી નૌશેરા સુખદેવ સિંહે એક નિવેદન જાહેર  કરીને જણાવ્યું છે કે બસ રાજૌરી-નૌશેરા રૂટ પર જઈ રહી હતી.


તેમણે કહ્યું કે અમારી પાસે અકસ્માતમાં 56 ઘાયલ દર્દીઓ છે, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ગંભીર રીતે ઘાયલ ચાર દર્દીઓને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.






તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાંબા જિલ્લાના એસએચઓના જણાવ્યા અનુસાર માનસર વિસ્તાર પાસે થયેલા આ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા  અને એક ઘાયલ થયો છે.


સાંબા જિલ્લામાંથી એક કાર માનસર માર્ગેથી શ્રીનગર જઈ રહી હતી. દરમિયાન જમોડ વિસ્તારમાં એક તીવ્ર વળાંક પર કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખાડીમાં ખાબકી હતી. કારમાં 6 લોકો સવાર હતા. રસ્તા પરથી પસાર થતા લોકો અને સ્થાનિક લોકોએ કોઈક રીતે ખાડામાં પડેલી કારમાંથી તમામ લોકોને બહાર કાઢી મુખ્ય માર્ગ પર લાવ્યા હતા.ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.


ટેકઓફ પહેલા વિજળીના થાંભલા સાથે અથડાયું સ્પાઇસજેટનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. આજે 28 માર્ચે  સવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટની પાંખોનો એક ભાગ  પુશ બેક વખતે ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયો. આ ઘટના દરમિયાન વિમાનમાં મુસાફરો સવાર હતા. જોકે કોઈને પણ ઇજા થઇ નથી. તમામ મુસાફરોને અન્ય વિમાન દ્વારા રવાના કરવામાં આવ્યા છે. સ્પાઈસ જેટ દ્વારા આ ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


સ્પાઈસજેટના પ્રવક્તાએ જાહેર  કરેલા નિવેદન મુજબ આજે સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી 160 દિલ્હી અને જમ્મુ વચ્ચે ઓપરેટ થવાની હતી. પુશ બેક દરમિયાન જમણી પાંખની પાછળની ધાર વિજળીના થાંભલા  સાથે અથડાઈ જેના કારણે એઈલરોન્સને નુકસાન થયું. ફ્લાઇટ ઓપરેટ કરવા માટે રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.