Jammu Kashmir : બુધવારે બપોરે ઉધમપુરના સલાથિયા ચોકમાં  વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આખરે કેવો બ્લાસ્ટ છે તે જાણવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ આ વિસ્ફોટની આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 14 લોકો ઘાયલ થયા છે.


રિપોર્ટ અનુસાર માર્કેટમાં આ વિસ્ફોટ બુધવારે બપોરે થયો છે. વિસ્ફોટનો અવાજ સાંભળીને ગભરાટ ફેલાયો હતો. નજીકના લોકો અને પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસના લોકો પાસેથી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ શાકમાર્કેટની એક ગલીમાં થયો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ આ વિસ્ફોટની માહિતી આપી છે. તેઓ  ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


 




શ્રીનગરના માર્કેટમાં 3 દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો
ત્રણ દિવસ પહેલા 6 માર્ચના રોજ શ્રીનગરના અમીરાકદલ વિસ્તારના રવિવાર બજારમાં રવિવારે સાંજે  આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા અને 23 ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મી અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. તે દિવસે સાંજે આતંકવાદીઓએ અમીરાકદલ વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ રસ્તા પર પડ્યો અને તેમાંથી નીકળેલા છરા ત્યાંથી પસાર થઈ રહેલા લોકોને વાગ્યા હતા.