Oommen Chandy Passes Away: કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું મંગળવારે (18 જુલાઈ) નિધન થયું હતું. લાંબી માંદગી બાદ 79 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેરળના રાજકારણમાં ઓમાનનું કદ ઘણું મોટું હતું. તેઓ બે વખત કેરળના મુખ્યમંત્રી બન્યા હતા અને 12 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની રાજકીય સફરમાં તેમણે અન્ય ઘણા પદો પર કામ કર્યું હતું.
ઓમાન ચાંડી 1970માં પ્રથમ વખત પુથુપલ્લી સીટ પરથી ચૂંટણી જીતીને કેરળ વિધાનસભામાં પહોંચ્યા અને 50 વર્ષ સુધી ત્યાં એક પણ ચૂંટણી હાર્યા નહોતા. તેમણે 2021માં છેલ્લી ચૂંટણી લડી હતી. 26 વર્ષની ઉંમરે તેમણે તેમની પ્રથમ ચૂંટણી લડી અને 5 દાયકા સુધી પુથુપલ્લી બેઠક સતત કોંગ્રેસ પાસે રહી હતી. જો કે હાલમાં આ સીટ પર કોંગ્રેસની સ્થિતિ એટલી મજબૂત નથી જેટલી ઓમાન ચાંડીના સમયમાં હતી. ચાંડીએ અહીંથી 1970, 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016 અને 2021માં ચૂંટણી લડી હતી.
બે વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા
ઓમાન ચાંડી બે વખત કેરળના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004 થી 2006 અને 2011 થી 2016 દરમિયાન સીએમ પદની જવાબદારી સંભાળી હતી. આ સિવાય 2006 થી 2011 સુધી ઓમાન કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. ઓમાન ચાંડીનું નામ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન બે કૌભાંડોમાં સામે આવ્યું હતું. કેરળના નાણામંત્રી હતા ત્યારે પામોલીન કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું. 1991ના આ કૌભાંડે કેરળના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ કેસમાં બે કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સિવાય કેરળના સોલર સ્કેમમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.
ઓમાન ચાંડી કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય હતા
ઓમાન ચાંડીનો જન્મ 13 ઓક્ટોબર, 1943ના રોજ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં થયો હતો. કોલેજના સમયથી જ તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય હતા. સીએમએસ કોલેજમાંથી બી.એ.ના અભ્યાસ દરમિયાન તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવા લાગ્યા હતા. ઓમાન ચાંડીએ કાયદાનો અભ્યાસ પણ કર્યો. એરનાકુલમની સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
તેમના પુત્રએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અવસાનની માહિતી આપી હતી. તેમણે ઓમાન ચાંડીના ફેસબુક પેજ પર લખ્યું કે અપ્પા હવે નથી. બે વખત કેરળના સીએમ રહી ચૂકેલા ઓમાન ચાંડીએ મંગળવારે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, લાંબા સમયથી બીમાર ચાંડી બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
Join Our Official Telegram Channel: