Operation Sindoor: પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરી રહ્યું છે. પાકિસ્તાને હવે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પોતાના સૈનિકો મોકલવાનું શરૂ કર્યું છે, જે દુશ્મનાવટ વધારવાના સંભવિત ઇરાદાનો સંકેત છે. ભારતીય અધિકારીઓએ આ માહિતી આપી છે.

વર્તમાન પરિસ્થિતિ પર વાત કરતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, "પાકિસ્તાની સૈનિકોને સરહદી વિસ્તારોમાં ઘૂસતા જોવા મળ્યા છે, જે તણાવને વધુ વધારવાના તેમના ઇરાદાને દર્શાવે છે." તેમણે વધુમાં કહ્યું, "ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી તમામ કાર્યવાહીનો અસરકારક રીતે સામનો કર્યો છે અને યોગ્ય જવાબ આપ્યો છે."

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહી આ મોટી વાત

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, "ભારતીય સેનાએ સમજી-વિચારીને જવાબ આપ્યો, જેમાં ફક્ત નિર્ધારિત લશ્કરી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાન સતત ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેમ કે ભારતની S-400 મિસાઇલ સિસ્ટમનો નાશ થયો છે અથવા સુરતગઢ અને સિરસા એરબેઝને નુકસાન થયું છે. ભારત આ ખોટા દાવાઓને સ્પષ્ટપણે નકારે છે."

'પાકિસ્તાનની કાર્યવાહી તણાવ વધારી રહી છે', વિક્રમ મિસરીએ કહ્યું

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાને આજે સવારે રાજૌરી શહેરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં  જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાનું મોત થયું હતું, જેના કારણે રાજ્યમાં નાગરિક જાનહાનિ અને નુકસાનમાં વધારો થયો હતો..."

તેમણે વધુમાં કહ્યું, "મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહી ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી છે. જવાબમાં, ભારતે પાકિસ્તાન દ્વારા આ ઉશ્કેરણીજનક અને વધતી જતી કાર્યવાહીનો જવાબદાર અને સંતુલિત રીતે બચાવ કર્યો છે અને જવાબ આપ્યો છે..."

સેનાએ પાકિસ્તાનના ખરાબ ઇરાદાઓના પુરાવા આપ્યા

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદો પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. તેણે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતીય લશ્કરી માળખાને નિશાન બનાવ્યું છે... આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ મોટાભાગના જોખમોને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા. પાકિસ્તાને પંજાબમાં એરબેઝને નિશાન બનાવવા માટે રાત્રે 1:40 વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. ચિંતાનો વિષય એ હતો કે પાકિસ્તાને તેની પ્રવૃત્તિઓ છુપાવવા માટે લાહોરથી ઉડતા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો હતો..."