Lt Colonel Sophia Qureshi: ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેનાએ આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી હતી.
ભારતીય સેનાની મહિલા અધિકારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી પાકિસ્તાની આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી દુનિયાને આપી હતી. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે. તેઓ હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે આર્મી ટ્રેનિંગ 'એક્સરસાઇઝ ફોર્સ 18' પ્રોગ્રામને લીડ કરી રહ્યા છે.
કોણ છે લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી
35 વર્ષીય સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલ રેન્કના અધિકારી છે. તેઓ સિગ્નલ કોર્પ્સમાં સેવા આપી રહ્યા છે. કર્નલ કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. ગુજરાતની સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, જે તેના અભ્યાસ અને આર્મી તાલીમ વચ્ચે સંપૂર્ણ સંકલન દર્શાવે છે. તે સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના કોમ્યુનિકેશન અને માહિતી પ્રણાલીની જવાબદારી સંભાળે છે.
2006માં તેઓને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસકીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેમના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.
સોફિયા કુરેશી 1999માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ આર્મીમાં જોડાયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી. સોફિયા કુરેશીના દાદા પણ સેનામાં હતા. સોફિયાના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં આર્મી ઓફિસર છે.
માર્ચ 2016 માં સોફિયા કુરેશી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. ટ્રેનિંગ એક્સરસાઇઝ 'એક્સરસાઇઝ ફોર્સ 18' કાર્યક્રમ અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી લશ્કરી કવાયત છે. આ કવાયતમાં ભારત, જાપાન, ચીન, રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત ASEAN (દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન) ના સભ્યોએ ભાગ લીધો હતો. તે ભારતના પુણેમાં યોજાયો હતો.