Opposition Parties Meeting News: લોકસભા ચૂંટણી-2024 પહેલા ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન બનાવવાના પ્રયાસોમાં લાગેલા વિપક્ષી દળોની એક મહત્વપૂર્ણ બેઠક 17 અને 18 જૂલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. આ બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે.
એબીપી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં નવા નામ, સંયોજક, વિપક્ષી જૂથના તમામ કાર્યક્રમો અને હિલચાલ પર ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય વિપક્ષી પાર્ટીઓ બેઠકોની વહેંચણી અને ઈવીએમ અને ચૂંટણી પંચમાં સુધારા માટે સમિતિઓની રચના માટે પત્રો સોંપશે.
કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી
આ સિવાય દિલ્હીના વટહુકમ, UCC, મોંઘવારી, વિદેશ નીતિ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. બેંગલુરુ બેઠક માટે આમંત્રિત પક્ષોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. વિરોધ પક્ષો તેને વધુ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ તરફથી વધુને વધુ સમાન વિચારધારાવાળા પક્ષોને પોતાની છાવણીમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિરોધ પક્ષોની બેઠકને ટક્કર આપવા NDA 18 જૂલાઈએ દિલ્હીમાં બેઠક પણ કરશે.
આ પહેલા બેઠક પટનામાં થઈ હતી
આ પહેલા 23 જૂને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની યજમાનીમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 15 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વર્તમાન સરકાર સામે લોકસભાની ચૂંટણી પહેલા મજબૂત વિપક્ષ તૈયાર કરવાનો હતો.
મોદી સરકાર વિરૂદ્ધ હંમેશા આક્રમક મૂડમાં રહેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ 17 જુલાઈના રોજ વિપક્ષના ડિનરમાં હાજર નહીં રહે. જોકે મમતા બેનરજી આ વિપક્ષના ડિનરમાં નહીં આપવા પાછળનું કારણ તેમની સર્જરી બાદના 'પ્રોટોકોલ'નું પાલન છે. જોકે મમતા 18 જુલાઈના રોજ વિરોધ પક્ષોની દિવસભરની બેઠકમાં હાજરી આપશે. બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સૂત્રોએ આજે આ જાણકારી આપી હતી.