india alliance meeting new delhi: આવતીકાલે એટલે કે સોમવારે, 8 જૂન 2026 ના રોજ, દેશના રાજકારણમાં એક મોટો દિવસ છે. નવી દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા એલાયન્સ'ની એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકનો મુખ્ય હેતુ દેશની વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરવાનો અને કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે આગામી 2029ની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાનો છે. વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવા માટે આ બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

Continues below advertisement

કયા કયા મોટા નેતાઓ આપશે હાજરી?

આ બેઠકમાં કુલ 23 જેટલા રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ જોડાશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મુખ્યત્વે હાજર રહેશે. આ ઉપરાંત, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, RJD ના તેજસ્વી યાદવ, શિવસેના (ઉદ્ધવ) તરફથી સંજય રાઉત અને NCP (શરદ પવાર જૂથ) તરફથી સુપ્રિયા સુલે હાજરી આપશે. પરંતુ આ બેઠકમાં સૌથી વધુ નજર તૃણમૂલ કોંગ્રેસ (TMC) નાં વડાં મમતા બેનર્જી પર રહેશે.

Continues below advertisement

જોકે, એક ચોંકાવનારા સમાચાર એ પણ છે કે ગઠબંધનનો મહત્વનો હિસ્સો મનાતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી DMK એ આ બેઠકથી દૂરી બનાવી લીધી છે અને તેઓ આમાં હાજરી નહીં આપે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "23 રાજકીય પક્ષોએ 'ઇન્ડિયા' ગઠબંધનની આ બેઠકમાં આવવાની પુષ્ટિ કરી દીધી છે. અમુક પક્ષો પોતાના અંગત કારણોસર આ બેઠકમાં નથી આવી શક્યા, પરંતુ તેઓ પણ પૂરેપૂરી રીતે મોદી સરકારની ખોટી નીતિઓ અને કાર્યપદ્ધતિનો વિરોધ કરે છે અને અમારી સાથે જ છે."

આ પણ વાંચોઃ પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

મોદી સરકાર પર વિપક્ષના આકરા પ્રહારો

આ બેઠક પહેલા જ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારની નીતિઓના લીધે લાખો લોકોના મતદાનના અધિકારો છીનવાઈ રહ્યા છે અને બંધારણ પર પણ સતત હુમલા થઈ રહ્યા છે. વિપક્ષના નેતાઓને ડરાવવા-ધમકાવવા અને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

વધુમાં તેમણે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, "આજે સામાન્ય માણસ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અને લાખો યુવાનો બેરોજગાર છે. સરકારની આર્થિક નીતિઓએ સામાન્ય લોકોની આજીવિકા છીનવી લીધી છે અને રોકાણનું વાતાવરણ ડહોળી નાખ્યું છે. એટલે સુધી કે, દેશની વિદેશ નીતિ પણ હવે રાષ્ટ્રીય હિતમાં નથી રહી." અંતમાં તેમણે કહ્યું કે જે રીતે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે, તેવી જ રીતે ઇન્ડિયા ગઠબંધન પણ એકજૂથ થઈને ઉભું છે.