Women's Reservation Bill: સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત બિલ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી ન મળવાના કારણે ફેલ ગયું છે. મોદી સરકારના કાર્યકાળમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે સરકાર દ્વારા રજૂ કરાયેલું કોઈ બિલ પાસ થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલના પરાજય બાદ હવે 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનનો વિપક્ષ આક્રમક બન્યો છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔપચારિક પત્ર લખીને માંગ કરવાના છે કે લોકસભાની નવી બેઠકો વધાર્યા વિના, હાલની બેઠકોમાં જ અગાઉનું 33% મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે. આ મુદ્દે સરકારને ઘેરવા માટે વિપક્ષ દેશભરમાં એક મોટી ઝુંબેશ ચલાવવાની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે.
વિપક્ષની મુખ્ય માંગ શું છે?
વિપક્ષી નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે જો સરકાર ખરેખર મહિલાઓનું સશક્તિકરણ કરવા માંગતી હોય, તો સીટો વધારવાની કોઈ જ જરૂર નથી. હાલની વિધાનસભા અને લોકસભાની જેટલી સીટો છે, તેમાં જ 33 ટકા ક્વોટા લાગુ કરી દેવો જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ દેશભરમાં સંકલિત પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર સીધો આરોપ લગાવશે કે, "મહિલા અનામતની આડમાં સરકાર દેશનો રાજકીય નકશો પોતાની મરજી મુજબ બદલવા માંગે છે." વિપક્ષની દલીલ છે કે બેઠકોની સંખ્યામાં ધરખમ વધારો કરવાથી રાજકીય સંતુલન ખોરવાઈ જશે અને અનામતનો મૂળ હેતુ મરી જશે. આવનારા દિવસોમાં આ જ માંગ વિપક્ષનું મુખ્ય હથિયાર બનવાની છે.
સરકાર માટે આ એક દુર્લભ ઝટકો
શુક્રવારે લોકસભામાં બંધારણ (131મો સુધારો) બિલ રજૂ કરાયું હતું. સરકારના પ્રસ્તાવિત કાયદા મુજબ, 2011 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન (Delimitation) કર્યા પછી છેક 2029 થી મહિલાઓ માટે 33% અનામત લાગુ થવાની હતી. આ સાથે જ લોકસભાની બેઠકો 543 થી વધારીને સીધી 816 કરવાની માંગ બિલમાં હતી.
પરંતુ જ્યારે વોટિંગ થયું ત્યારે બિલની તરફેણમાં 298 અને વિરુદ્ધમાં 230 મત પડ્યા હતા. બિલ પાસ કરવા માટે બે તૃતીયાંશ એટલે કે 352 મતોની જરૂર હતી, જેથી બહુમતીના અભાવે આ બિલ ફગાવી દેવામાં આવ્યું હતું.
દિગ્ગજ નેતાઓની હાજરીમાં થયું હાઈ વોલ્ટેજ વોટિંગ
જ્યારે આ મહત્વપૂર્ણ મતદાન થઈ રહ્યું હતું, ત્યારે ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિતના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. પરિણામ બાદ, સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી અને શનિવારથી કામકાજ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે આ બિલ પાસ કરાવવા માટે જ 16 થી 18 એપ્રિલ દરમિયાન 3 દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. બિલ પાસ ન થતાં હવે સ્પષ્ટ છે કે મહિલા અનામત અને ચૂંટણી સુધારાનો મુદ્દો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં રહેશે.
