Wayanad Landslides: નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ... કેરળના વાયનાડમાં આ તબાહીના દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. સેના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સેનાના હેલિકોપ્ટર વાયનાડ માટે રવાના થયા છે. બીજી તરફ પીએમ મોદી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.
કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે 4 કલાકમાં 3 મોટા ભૂસ્ખલન થયા હતા. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે આ ગામોમાં સેંકડો મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાશ પામ્યા હતા. એકલા ચુરલમાલામાં 200 મકાનોને નુકસાન થયું છે.
નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યા
મનોરમા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ જણાવ્યું કે અટ્ટમાલાના ગ્રામવાસીઓને નદીમાં 6 મૃતદેહ તરતા મળ્યા છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનથી ચૂરમાલા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં મકાનોની બહાર પાર્ક કરાયેલા વાહનો, દુકાનો અને મકાનો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેએસડીએમએ જણાવ્યું કે, ફાયર ફોર્સ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ ટીમો પણ વાયનાડ પહોંચી રહી છે. આ ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સને પણ બચાવકાર્યમાં મદદ માટે વાયનાડ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની રહી છે.
પીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે'
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO)એ દક્ષિણ ભારતમાં ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પીએમઓએ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વાયનાડના લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે