Owaisi black stripe appeal: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશભરમાંથી આ હુમલાની નિંદા થઈ રહી છે. માત્ર કાશ્મીરીઓ જ નહીં, પરંતુ દેશભરના મુસ્લિમ સંગઠનો અને નેતાઓ આ આતંકી કૃત્યની કડક શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે (૨૪ એપ્રિલ, ૨૦૨૫) દેશભરના મુસ્લિમોને એક મહત્વપૂર્ણ અને ભાવુક અપીલ કરી છે.
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરીને પહલગામ આતંકી હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને મદદની અપીલ કરી. તેમણે કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો કે પહેલગામમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ૨૭થી વધુ લોકોની નિર્મમ હત્યા કરી દીધી છે અને ઘણા ઘાયલ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે."
શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી બાંધી સંદેશ આપવા હાકલ:
અસદુદ્દીન ઓવૈસીએ આ આતંકવાદ અને ક્રૂરતા વિરુદ્ધ એક થઈને અવાજ ઉઠાવવા માટે મુસ્લિમોને અપીલ કરી છે. તેમણે કહ્યું, "હું તમને આ આતંકવાદ અને ક્રૂરતા વિરુદ્ધ અપીલ કરું છું કે જ્યારે તમે આવતીકાલે શુક્રવારની નમાઝ અદા કરવા જાઓ ત્યારે તમારે તમારા હાથ પર કાળી પટ્ટી બાંધવી જોઈએ." તેમણે આના પાછળનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે, આનાથી આપણે સાથે મળીને એક સંદેશ આપી શકીશું કે "અમે ભારતીયો વિદેશી શક્તિઓને દેશની શાંતિ અને એકતાને નબળી પાડવા દેશે નહીં."
ઓવૈસીએ ચેતવણી આપતા કહ્યું કે, "આ હુમલાથી દુષ્કર્મીઓને (આતંકવાદીઓને) આપણા કાશ્મીરી ભાઈઓને નિશાન બનાવવાની તક મળી છે. હું તમામ ભારતીયોને અપીલ કરું છું કે દુશ્મનોની જાળમાં ન ફસાય." તેમનો ઇશારો સ્પષ્ટ હતો કે આવા હુમલાઓ ભારતીયો અને ખાસ કરીને કાશ્મીરી મુસ્લિમો પ્રત્યે નફરત અને અવિશ્વાસ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે.
ઇસ્લામના નામે હત્યાની મંજૂરી નહીં:
AIMIM સાંસદે આતંકવાદીઓના કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, "અમે આતંકવાદીઓના આ કૃત્યની નિંદા કરીએ છીએ. અમે આ આતંકવાદીઓને ક્યારેય દીન-એ-ઇસ્લામના નામે લોકોને મારવાની મંજૂરી આપી શકીએ નહીં." તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આપણે ક્યારેય સહન કરી શકીએ નહીં કે બહારની શક્તિઓ આવીને આપણા દેશવાસીઓનો જીવ લે." તેમણે સૌને એકસાથે મળીને આવા કૃત્યોની નિંદા કરવા અપીલ કરી.
પહલગામ હુમલાને લઈને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગુરુવારે સર્વપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગ લીધો હતો અને આતંકવાદ વિરુદ્ધ દેશના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
અસદુદ્દીન ઓવૈસીની મુસ્લિમ સમુદાયને કરાયેલી આ અપીલ આતંકવાદ વિરુદ્ધ એકતા દર્શાવવા અને બાહ્ય શક્તિઓના ઇરાદાઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવે છે. શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી બાંધવાની તેમની અપીલ એક પ્રતિકાત્મક વિરોધ અને એકતાનું પ્રદર્શન હશે.