Asaduddin Owaisi on Modi Xi meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન પહોંચ્યા છે, જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. જોકે, આ મુલાકાત પર AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ આ બેઠકને નિષ્ફળ ગણાવી અને કહ્યું કે આ બેઠકમાં ભારતીય નાગરિકોના મહત્વના પ્રશ્નોના જવાબ મળ્યા નથી. તેમણે સરહદી વિવાદો, વેપાર, અને પાકિસ્તાનને ચીનના સમર્થન જેવા મુખ્ય મુદ્દાઓને અવગણવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો.
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની તાજેતરની મુલાકાતને નિષ્ફળ ગણાવી છે. ઓવૈસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ બેઠકમાં લદ્દાખ સરહદની સ્થિતિ, હાઇડ્રોલોજિકલ ડેટા શેરિંગ, ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન અને વેપારી અસંતુલન જેવા મહત્વના મુદ્દાઓ પર કોઈ નક્કર વાતચીત થઈ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીયો માટે 'જેકેટના રંગ' કે 'ફોટોગ્રાફની તક' નહીં, પરંતુ આ વાસ્તવિક મુદ્દાઓનો ઉકેલ મહત્વનો છે.
ઓવૈસીના પ્રહાર
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક લાંબી પોસ્ટ દ્વારા આ મુલાકાત પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ બેઠક ભારતના નાગરિકોના મુખ્ય પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. ઓવૈસીએ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો જે તેમના મતે અવગણવામાં આવ્યા છે:
- પાકિસ્તાનને ચીનનું સમર્થન: ઓવૈસીએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનને ચીનનો ટેકો અને CPEC (China-Pakistan Economic Corridor) ને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવાની ચીનની યોજના પર સવાલ ઉઠાવ્યો.
- લદ્દાખ સરહદની સ્થિતિ: તેમણે જણાવ્યું કે 2020 બાદ લદ્દાખમાં ભારતીય સૈનિકો અને ભરવાડોને 'બફર ઝોન' માં પેટ્રોલિંગ કરવાની મંજૂરી નથી, છતાં આ મુદ્દે કોઈ ચર્ચા થઈ હોય તેવું લાગતું નથી.
- વેપાર અને આર્થિક મુદ્દા: ઓવૈસીએ કહ્યું કે ચીન દ્વારા દુર્લભ ખનિજોનો પુરવઠો ફરી શરૂ કરવા અને ભારતમાંથી વધુ માલ આયાત કરવા અંગે કોઈ વચન આપવામાં આવ્યું નથી, જે ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે.
- નદીના હાઇડ્રોલોજિકલ ડેટા: તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ચીન દ્વારા હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવા અંગે પણ કોઈ વાતચીત થઈ હોય તેવું લાગતું નથી, જે ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફોટોગ્રાફની તક, જેકેટનો રંગ નહીં
ઓવૈસીએ આ બેઠકને માત્ર ઔપચારિક અને ફોટોગ્રાફિક ગણાવી. તેમણે કહ્યું કે ભારતીયો માટે 'જેકેટનો રંગ' કે 'કાર્પેટની લંબાઈ' નહીં, પરંતુ આ વાસ્તવિક અને ગંભીર મુદ્દાઓનો ઉકેલ મહત્વપૂર્ણ છે. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે મોદી-જિનપિંગની મુલાકાત કોઈ નક્કર મુદ્દા પર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી.
જોકે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, બંને નેતાઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. આમાં આતંકવાદ અને વાજબી વેપાર જેવા પડકારોનો સમાવેશ થાય છે.