Kashmir tourist attack footage: ૨૨મી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતના તાજેતરના ઇતિહાસના સૌથી ખતરનાક હુમલાઓમાંનો એક હતો. નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકોને નિશાન બનાવનાર આ હુમલામાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની ભયાવહતા અને માનવતાના દ્રશ્યો દર્શાવતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિની આંખો ગુસ્સા અને આંસુથી છલકાઈ જાય તેમ છે. આ વીડિયો હુમલા પહેલા, દરમિયાન અને પછીના ભયાનક દ્રશ્યો રજૂ કરે છે.

પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા પાંચ વાયરલ વીડિયો નીચે મુજબ છે:

૧. સ્થાનિક કાશ્મીરી એક પર્યટકને પોતાની પીઠ પર ઉઠાવીને બચાવતો વીડિયો: આ હુમલાએ કાશ્મીરમાં સ્થાપિત શાંતિ પર પણ પ્રહાર કર્યો હતો. આ વીડિયોમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે છે. એક સ્થાનિક કાશ્મીરી વ્યક્તિ આતંકી હુમલામાં ઘાયલ થયેલા એક પ્રવાસીને પોતાની પીઠ પર ઉઠાવીને સુરક્ષિત સ્થળે લઈ જતો જોવા મળે છે. આ કાશ્મીરી વ્યક્તિના વખાણ થઈ રહ્યા છે. માનવતા દર્શાવતા આ વીડિયોને અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

૨. શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીનો ભાવુક વીડિયો: હરિયાણાના ૨૫ વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલના લગ્નને માત્ર ૧૦ દિવસ જ થયા હતા. તેઓ પોતાની પત્ની સાથે હનીમૂન પર પહલગામ આવ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી. શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની જ્યારે તેમને અંતિમ વિદાય આપી રહી હતી, તે સમયનો વીડિયો ખૂબ જ ભાવુક કરનારો છે. આ વીડિયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે.

૩. હુમલા પછીનો (ઘટના સમયનો) વીડિયો: પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આ હૃદય કંપાવનારા વીડિયોમાં શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની અને તેમની સાથે અન્ય એક મહિલા ઉભેલી જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે શહીદ લેફ્ટનન્ટની પત્ની એક સ્થાનિક કાશ્મીરી સાથે વાત કરી રહી હતી ત્યારે જ એક આતંકવાદી આવે છે અને તેના પતિને ગોળી મારી દે છે. આ પછી મહિલા સ્થાનિક કાશ્મીરીને આજીજી કરતા કહે છે કે મારા પતિને બચાવો. આ પછી સ્થાનિક કાશ્મીરી વ્યક્તિ ઘાયલ થયેલા વ્યક્તિને પાણીની બોટલ આપે છે. આ વીડિયો હુમલાની ભયાવહતા અને પીડિતોની લાચારી દર્શાવે છે.

૪. મૃત્યુ પહેલાનો છેલ્લો વીડિયો: આ વીડિયોમાં દક્ષિણ ભારતમાંથી કાશ્મીર ફરવા આવેલું એક દંપતી જોવા મળે છે. તેઓ પોતાના કાશ્મીર પ્રવાસ અને શિકારા સવારીનો આનંદ માણી રહ્યા છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેઓ પોતાના કાશ્મીર પ્રવાસ અંગે માહિતી આપી રહ્યા છે. પરંતુ આ ખુશીના ક્ષણોના થોડા સમય બાદ જ મહિલાના પતિને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. આ "છેલ્લો વીડિયો" જોઈને કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે તેમ છે.

૫. સ્થાનિક કાશ્મીરીઓ દ્વારા મદદનો વીડિયો: આ વીડિયો પહલગામ હુમલા બાદનો છે. હુમલામાંથી બચીને પરત ફરી રહેલા પ્રવાસીઓ બસમાં બેઠેલા જોવા મળે છે. ત્યારે કેટલાક સ્થાનિક કાશ્મીરીઓ તે પ્રવાસીઓ પાસે આવીને તેમને સ્થાનિક ખાદ્યપદાર્થો અને પાણીની બોટલો આપે છે. તેઓ પ્રવાસીઓને પૂછી રહ્યા છે કે શું તેમને કોઈ જરૂર છે અને ભોજન માટે ત્યાં રોકાઈ શકે છે તેમ પણ કહી રહ્યા છે. મુશ્કેલીના સમયે સ્થાનિક કાશ્મીરીઓ દ્વારા દર્શાવવામાં આવેલી આ મદદ અને ઉષ્માભર્યા વ્યવહારના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો પહલગામ આતંકી હુમલાની ભયાવહતા અને તેના માનવીય પાસાઓને ઉજાગર કરે છે. તે આતંકવાદની ક્રૂરતાની સાથે સાથે મુશ્કેલીના સમયે સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવતી માનવતા અને સહાનુભૂતિના દર્શ્યો પણ બતાવે છે. આ વીડિયો લાખો લોકો સુધી પહોંચ્યા છે અને તેમણે દેશભરમાં લાગણી અને ગુસ્સાની લહેર દોડાવી છે.