Pahalgam terror attack latest update: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે હવે આ હુમલા અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે, જે સૂચવે છે કે આતંકવાદીઓના મૂળ નિશાના પર અન્ય સ્થળો અને સંભવતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા.
હુમલાની તપાસ કરી રહેલા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળેલી માહિતી મુજબ, પહેલગામમાં હુમલો કરતા થોડા દિવસો પહેલા આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરના અન્ય પર્યટન સ્થળો અને હોટલો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ યોજનાઓમાં ખીણ, શ્રીનગરની બહારના વિસ્તારો, દાચીગામ અને અન્ય પર્યટન સ્થળોએ હોટલોને નિશાન બનાવવાનો સમાવેશ થતો હતો.
પીએમ મોદીની રદ થયેલી યાત્રા અને હુમલાનું કનેક્શન?
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૧૯ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટરા અને શ્રીનગર વચ્ચેની ટ્રેન યાત્રાને લીલી ઝંડી આપવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમની યાત્રા મુલતવી રાખવી પડી હતી. પીટીઆઈના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીની યાત્રા રદ થયાના એક દિવસ પહેલા ખીણમાં આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલ સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયું હતું. વરિષ્ઠ અધિકારીના મતે, જ્યારે વડાપ્રધાનની મુલાકાત રદ કરવામાં આવી, ત્યારે સંભવ છે કે ISI સમર્થિત આતંકવાદીઓ ટ્રાલમાં છુપાયેલા હતા અને ત્યારબાદ તેમણે ૨૨ એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો. આના પરથી એવો સંકેત મળે છે કે આતંકવાદીઓના નિશાના પર વડાપ્રધાન પણ હોઈ શકે છે અથવા યાત્રા રદ થવાથી હુમલાનું સ્થળ અને સમય બદલાયો.
યાત્રાળુઓ, મજૂરો અને કાશ્મીરી પંડિતો પણ નિશાના પર હતા
જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રો (ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ) એ જણાવ્યું કે, હોટલો અને પર્યટન વિસ્તારો ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરની બહારથી આવતા મજૂરો, હિંદુ યાત્રાળુઓ અને કાશ્મીરી પંડિતો પર પણ હુમલા થવાની ગુપ્ત માહિતી મળી હતી. કુલગામ, પુલવામા અને કાશ્મીરના અન્ય સ્થળોએ પણ હુમલાની ગુપ્ત માહિતી હતી.
પહેલગામના બૈસરનમાં કઈ રીતે હુમલો થયો?
અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતીમાં બૈસરન પર ખાસ હુમલાની કોઈ ચોક્કસ માહિતી નહોતી કારણ કે આ સ્થળે ક્યારેય કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે હુમલો થયો ન હતો. ગુપ્ત માહિતીના આધારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરની હોટલો અને પર્યટન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી.
પરંતુ બૈસરનમાં હુમલો કઈ રીતે થયો તે અંગે સૂત્રોએ જણાવ્યું કે, બે સ્થાનિક આતંકવાદીઓ આદિલ ઠોકર અને આસિફ શેખ અન્ય આતંકવાદીઓ સાથે બૈસરન ફરવા આવેલા પ્રવાસીઓ સાથે ભળી ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. તેઓ પ્રવાસીઓને ફૂડ સ્ટોલ્સ પર પણ લઈ જતા હતા અને આતંકવાદી હુમલાને સરળ બનાવવા માટે આ બધું કરી રહ્યા હતા. ભારે હિમવર્ષા સિવાય બૈસરનનો પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે.
અન્ય એક અધિકારીના મતે, આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા કારણ કે તેઓ કાશ્મીરમાં સામાન્યતાની વાર્તા તોડવા માંગતા હતા.