નવી દિલ્લીઃ હાલ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની રીલીઝ બાદ કાશ્મીરી પંડિતોના વિસ્થાપન અંગે ચર્ચાઓ થઈ રહી છે. હવે વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ પરિસ્થિતિ માટે પાકિસ્તાન અને આતંકવાદ બંને જવાબદાર છે.
મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને બિનસાંપ્રદાયિકઃ
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ ગુલામ નબી આઝાદે જમ્મુ ખાતે એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જેમાં તેઓ 1990માં થયેલ કાશ્મીરી પંડિતોની હત્યા અને વિસ્થાપન અંગે બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે,"હું માનું છું કે, મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને બિનસાંપ્રદાયિક હતા. જમ્મુ અને કાશ્મીરમાં જે પણ કંઈ બન્યુ છે તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. આ સ્થિતિથી હિન્દુ, કાશ્મીરી પંડિત, કાશ્મીરી મુસ્લિમ અને ડોગરાઓને ઘણી અસર પહોંચાડી છે.
રાજકીય પાર્ટીઓ ભાગલા પાડશેઃ
ગુલામ નબી આઝાદે પોતાના પ્રવચનમાં વધુમાં જણાવ્યું કે, "રાજકીય પાર્ટીઓ અઠવાડિયાના સાતેય દિવસ અને દિવસના ચોવીસ કલાક ધર્મના નામે, જાતિના નામે અને બીજા અન્ય મુદ્દે ભાગલા પાડશે. હું એક પણ પાર્ટીને માફ નહી કરું, મારી પાર્ટીને પણ નહી." આઝાદે આ સાથે કહ્યું કે, "શું આપણે ઉજવણી અને મૃત્યુના સમયે પાર્ટી લાઈનને બાજુ પર ના રાખી શકીયે? નાગરિક સામાજે એક સાથે રહેવું જોઈએ. જાતી અને ધર્મને ધ્યાને લીધા વગર દરેકને સમાન ન્યાય મળવો જોઈએ."