Pakistan Violated Ceasefire on LoC: શનિવારે રાત્રે (26 એપ્રિલ) પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે સ્થિત ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા ત્યારે આવી તંગ પરિસ્થિતિમાં આ ફાયરિંગ થયું છે. આ હુમલા માટે પાકિસ્તાન સમર્થિત આતકવાદીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક નિર્ણયો લીધા છે.

ભારતીય સેના સતત કાર્યવાહી કરી રહી છે

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના સતત એક્શનમાં છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલમાં જ કુલગામ જિલ્લાના તંગમાર્ગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જોકે, આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો પર મોટી કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, અધિકારીઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમને મદદ કરનાર  સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે, તેમના ઘરોને તોડી પાડ્યા છે, છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે અને પૂછપરછ માટે સેંકડો આતંકવાદીઓના મદદ કરનાર શંકાસ્પદોની અટકાયત કરી છે.

અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે નવ આતંકવાદીઓ અથવા તેમના સહયોગીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય લોકો સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો પહલગામ જેવા કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે ખીણમાં જાણીતા આતંકવાદીઓ અને તેમના સમર્થકોને શોધી રહ્યા છે.