નવી દિલ્હી: પાકિસ્તાને ભારતનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા યુદ્ધ વિરામ પર સહમતી બની. સરકારે શનિવારે કહ્યું, ઘણા દિવસો સુધી સૈન્ય કાર્યવાહી અને બંને પડોશી દેશો વચ્ચે વધતા તણાવ બાદ સિઝફાયરની સહમતી બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે  દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. 

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે ​​બપોરે 15.30 વાગ્યે ભારતના DGMO ને ફોન કર્યો. તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો 1700 કલાક (5 વાગ્યા) થી જમીન, હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે," 

વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે શનિવાર (10 મે, 2025) બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ) ફોન કરીને પહેલ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સધાઈ હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. 

યુએસ પક્ષે તેને બંને દેશોની "સામાન્ય સમજ "નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા છે કે સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.

કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધ ગણાશે

આ દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે એક્ટ ઓફ વોર માનવામાં આવશે.  એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે.