Pakistan Atta Price : પાકિસ્તાનમાં મોંઘવારી તેની ચરમસીમાએ પહોંચી છે. અહીં લોટને લઈને કકળાટ શરૂ થયો છે. પાડોશી દેશમાં લોટની કિંમત અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. લોકો માટે બજારમાંથી લોટ ખરીદવો મુશ્કેલ બની રહ્યો છે. આખા પાકિસ્તાનના બજારમાંથી સબસિડીવાળા લોટનો સ્ટોક ખતમ થઈ ગયો છે. સ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે, હવે સરકારે નાગરિકોને સસ્તા દરે સબસિડીવાળો લોટ ઉપલબ્ધ કરાવવા પહેલ કરવી પડી છે.


પાકિસ્તાનના જુદા જુદા ભાગોમાં સરકાર દ્વારા સબસિડીવાળા લોટના પેકેટ સામાન્ય નાગરિકોમાં બજાર કરતા ઓછા ભાવે વહેંચવામાં આવ્યા હતા. જેને મેળવવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને દેશમાં સબસિડીવાળા લોટના પેકેટ મેળવવા પ્રયાસ કરી રહેલી ભીડને કારણે ત્રણ અકસ્માતો થયા હતા જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.


લોટની વધતી કિંમતોને કારણે પાકિસ્તાનમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તે ત્રણ ઘટનાઓ પરથી સમજી શકાય છે. સિંધ પ્રાંતમાં સબસિડીવાળા લોટનું પેકેટ લેવાના પ્રયાસમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો  હતો. સિંધના મીરપુર ખાસમાં કેટલાક લોકો વાહન પર લોટના પેકેટ લઈને પહોંચ્યા હતા. લોટના પેકેટ ઓછા ભાવે મેળવવાના પ્રયાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


લોકો વાહનની પાછળ રીતસરના દોડતા જોવા મળ્યા હતા. સસ્તા ભાવે લોટનું પેકેટ મેળવવાનો દરેક વ્યક્તિ પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ વાહન પર લોટના પેકેટો મર્યાદિત હતા. પરિસ્થિતિ નાસભાગમાં ફેરવાઈ ગઈ હતી અને એક વ્યક્તિ નીચે પડી જતા ઘાયલ થયો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એવું કહેવાય છે કે, મૃતકની ઉંમર 45 વર્ષ હતી અને તેને છ બાળકો છે. તે પોતાના પરિવાર માટે સસ્તા દરે લોટ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં બજારમાં સબસિડીવાળા લોટનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાના સમાચાર છે. ખૈબર પખ્તુનખ્વામાં લોકો લોટ માટે સરકારી દુકાનો શોધતા જોવા મળ્યા હતા જ્યાં લોટનું પેકેટ 1200 રૂપિયામાં મળે છે. જ્યારે ઓપન માર્કેટમાં લોટના 20 કિલોના પેકેટની કિંમત 3100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેથી સામાન્ય માણસે જીવવુ મુશ્કેલ બન્યું છે.


આ સ્થિતિ ત્યારે ઉભી થઈ છે જ્યારે સરકાર દ્વારા લોટના એક પેકેટની કિંમત 1200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બલૂચિસ્તાનમાં પણ આવી જ સ્થિતિ છે. સબસિડીવાળા લોટના પેકેટ મેળવવાનો પ્રયાસ કરતી વખતે લોકો લડતા ઝગડતા પણ જોવા મળ્યા હતા. પાકિસ્તાન સરકાર માટે વધતી જતી મોંઘવારી પર કાબૂ મેળવવો મુશ્કેલ જણાય છે. લોટની સાથે સાથે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગઈ છે.