Delhi-Srinagar Indigo Flight: દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ ઈન્ડિગો ફ્લાઈટ 6E2142ને બુધવારે (21 મે, 2025) ટર્બુલન્સમાં ફસાયા બાદ  શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. દરમિયાન, વિમાનના પાયલટે ટર્બુલન્સથી બચવા માટે લાહોર એર ટ્રાફિક કંન્ટ્રોસ (ATC) પાસે થોડા સમય માટે પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી.

Continues below advertisement


ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ


સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ફ્લાઇટ 6E2142ના કેસની તપાસ કરી રહ્યું છે. બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત 220થી વધુ લોકોને લઈ જતી ફ્લાઇટ પર અચાનક કરા પડ્યા અને પાયલટે શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને ઇમરજન્સીની જાણ કરી હતી. જોકે, બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.


પાકિસ્તાને એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી


સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે જ્યારે વિમાન અમૃતસર ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે ખરાબ હવામાનના કારણે પાયલટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી હતી. આ પરિસ્થિતિ ટાળવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ લાહોર એટીસીએ તેને નકારી કાઢી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી ન મળવાના પરિણામે વિમાનને તે જ રૂટ પર આગળ વધવું પડ્યું જ્યાં તેને હવામાં જોરદાર પવન અને કરા પડવાનો સામનો કરવો પડ્યો. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને પડોશી દેશે ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.


આ વિમાનમાં ટીએમસીનું પ્રતિનિધિમંડળ હતું


ઈન્ડિગોએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી તેમની ફ્લાઇટ નંબર 6E2142 પર અચાનક કરા પડવા લાગ્યા હતા. એરલાઇને જણાવ્યું હતું કે, "ફ્લાઇટ અને ક્રૂએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. વિમાન આવ્યા પછી એરપોર્ટ ટીમે મુસાફરોની સંભાળ રાખી." વિમાનમાં તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં ડેરેક ઓ'બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થતો હતો.