BSF jawan detained: ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ ચરમસીમા પર છે અને બંને દેશોએ એકબીજા વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. આવા સંવેદનશીલ માહોલ વચ્ચે, પંજાબ સરહદેથી ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો, જેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ ઘટના બુધવારે (૨૩ એપ્રિલ, ૨૦૨૫) ફિરોઝપુર સરહદ નજીક બની હતી. ૧૮૨મી બટાલિયનના કોન્સ્ટેબલ પી.કે. સિંહ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પ્રવેશી ગયા હતા, જ્યાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરી લીધી હતી.

એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, જવાન યુનિફોર્મમાં હતો અને તેની પાસે તેની સર્વિસ રાઈફલ પણ હતી. તેમણે કહ્યું કે, BSF જવાન ખેડૂતોની સાથે ફરજ પર હતો અને થોડો આગળ છાંયડામાં આરામ કરવા માટે ગયો, તે દરમિયાન તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં જ BSF દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જવાનને પરત લાવવા માટે બંને દેશોની સેના વચ્ચે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે જવાનને ટૂંક સમયમાં મુક્ત કરી દેવામાં આવશે.

અધિકારીએ એ પણ સ્વીકાર્યું કે સરહદ પર આ પ્રકારની ઘટનાઓ અસામાન્ય નથી અને ભૂતકાળમાં પણ બંને પક્ષોના સૈનિકો આકસ્મિક રીતે સરહદ પાર કરી ગયા હોય અને પરત સોંપવામાં આવ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. જોકે, હાલમાં પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા આતંકવાદને પ્રાયોજિત કરવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે અને પાકિસ્તાને પણ વળતા પગલાં ભર્યા છે તેવા સંવેદનશીલ માહોલમાં આ ઘટના બનવી ચિંતાજનક છે.

નોંધનીય છે કે, પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન સરકારે ગુરુવારે (૨૪ એપ્રિલ, ૨૦૨૫) રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બોલાવી હતી, જેમાં ભારત સાથેના વેપાર સંબંધો ખતમ કરવા, એરસ્પેસ બંધ કરવા અને સિંધુના પાણીને યુદ્ધનું કૃત્ય ગણાવવા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આવા સમયે BSF જવાનનું પાકિસ્તાનની કસ્ટડીમાં જવું એ સમગ્ર પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી શકે છે.

આશા છે કે બંને દેશોના સૈન્ય વચ્ચે ચાલી રહેલી વાતચીત સફળ થશે અને ભારતીય જવાન સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત ફરી શકશે. આ ઘટના હાલના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો માટે એક કસોટી સમાન છે.