Pakistani Terrorist Arrest: દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકી પકડાયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મી નગરના રમેશ પાર્તથી પાકિસ્તાની આતંકીને ઝડપી લીધો છે. આતંકી ભારતીય નાગરિકત્વના નકલી આઈડી સાથે રહેતો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકી પાસેથી શું મળ્યું
પાકિસ્તાની આંતકી પાસેથી એકે-47 રાઇફલ, એક હાથગોળો, 50 રાઉન્ડ અને 2 અત્યાધુનિક પિસ્ટલ મળી આવી છે. આતંકીની રાત્રે સાડા નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી. આતંકી પાકિસ્તાનની નારોવાલનો રહેવાસી છે.
આતંકી પાસેથી 6 ભારતીય પાસપોર્ટ પણ મળ્યા
મળતી જાણકારી પ્રમાણે, પાકિસ્તાની આંતકી 6 ભારતીય પાસપોર્ટ સાથે ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકની ધરપકડ બાદ તેના નેટવર્ક અને સાથીઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.
આતંકની ઓળખ મોહમ્મદ અસરફ તરીકે થઈ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને જાણકારી મળી હતી કે દેશમાં તહેવારોની સિઝન દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મોટો હુમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને રવિવારે રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી હતી.
સેનાએ 5 જવાનોની શહીદીનો બદલો લીધો
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આપણા પાંચ સૈનિકોની શહીદીનો બદલો લીધો છે. આજે અહીં શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના એક આતંકવાદીની ઓળખ ગાંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જેણે બિહારનાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે. હાલ બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.