મણિપુરમા હિંસા યથાવત છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને બે મહિલાઓને નગ્ન પરેડ કરાવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ મામલે વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમને આ મામલે ખૂબ જ દુઃખ છે. સંસદના ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે શ્રાવણ મહિનામાં લોકતંત્રના આ મંદિરમાં મળી રહ્યા છીએ ત્યારે મને વિશ્વાસ છે કે તમામ સાંસદો સાથે મળીને લોકોના કલ્યાણ માટે કામ કરશે અને સાંસદ તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવશે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર કાર્યો માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે જ્યારે આપણે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીના મંદિરમાં મળી રહ્યા છીએ. લોકશાહીના મંદિરમાં આવું પુણ્ય કાર્ય કરવા માટે આનાથી વધુ સારી તક ન હોઈ શકે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વાસ છે કે તમામ સાંસદો સાથે મળીને આ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. સંસદમાં તમામ સાંસદની જે જવાબદારી છે જેમ કે કાયદો બનાવવો, તેના પર વિગતવાર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે.






પીએમ મોદીએ કહ્યું હતું કે મારું મન ગુસ્સાથી ભરેલું છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે કોઇ પણ દોષિતને છોડવામાં નહી આવે. કાયદો પોતાની તમામ શક્તિથી કાર્યવાહી કરશે. મણિપુરની દીકરીઓ સાથે જે પણ થયું છે તેને ક્યારેય માફ કરી શકાય નહીં.


મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના પર વડાપ્રધાને કહ્યું કે મણિપુરમાં જે બની છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કડક પગલા લેવામાં આવે. નોંધનીય છે કે મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવામાં આવી હતી.  આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુસ્સો છે.