નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી મામલાને લઇને  સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહમાં સુનાવણી થશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી.રમનાની બેન્ચ સામે આ મામલાની રજૂઆત કરવામાં આવી હતી. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તે આગામી સપ્તાહમાં આ મામલાને સાંભળશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જસ્ટિસ રમના સામે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે વરિષ્ઠ પત્રકાર એન.રામ દ્ધારા દાખલ અરજીનો ઉલ્લેખ કર્યો જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તે આગામી સપ્તાહમાં આ મામલે સુનાવણી કરશે.


સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અપીલ કરવામાં આવી છે કે પેગાસસ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ તપાસ સુપ્રીમ કોર્ટના કોઇ વર્તમાન અથવા નિવૃત જજની આગેવાનીમાં કરવામાં આવે. આરોપ છે કે સરકારી એજન્સીઓએ  પેગાસસ સ્પાઇવેરની મદદથી પત્રકારો, જજો અને અન્ય લોકોની જાસૂસી કરી હતી. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મીડિયા દ્ધારા આ મામલાનો ખુલાસો થયો હતો. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસની મદદથી ભારત સહિત દુનિયાના અનેક દેશોના પત્રકારો, નેતાઓ અને અન્ય હસ્તીઓને નિશાન બનાવામાં આવ્યા હતા. આ દરમિયાન ફોન હેકિંગની વાત સામે આવી હતી.


ભારતમાં કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અન્ય અનેક નેતાઓ, કેન્દ્રિય મંત્રીઓ, પત્રકારોને આ સોફ્ટવેરના મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કારણ છે કે ભારતમાં  મામલા પર સતત હોબાળો થઇ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં દેશની લગભગ 500 હસ્તીઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને તટસ્થ તપાસ કરવાની અપીલ કરી હતી. તે સિવાય સંસદના બંન્ને ગૃહોમાં વિપક્ષ દ્ધારા આ મુદ્દાને લઇને હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે સંસદમાં આ વિષય પર ચર્ચા થવી જોઇએ. જ્યારે ભારત સરકારે પેગાસસ જાસૂસી સાથે સંબંધિત તમામ આરોપોને નકાર્યા હતા.


એક ઇન્ટરનેશનલ મીડિયા સંઘે દાવો કર્યો હતો કે 300થી વધુ ભારતીય મોબાઇલ નંબર ઇઝરાયલી ફર્મ એનએસઓના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને નજર રાખવા માટે સંભવિત લિસ્ટમાં હતા.19 જૂલાઇથી ચોમાસુ સત્રથી આરંભ થયો હતો પરંતુ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી થઇ શકી નથી. વિપક્ષી દળોનું કહેવું છે કે પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચા કરવા સરકાર તૈયાર થાય ત્યારબાદ જ સંસદમાં કાર્યવાહી થઇ શકશે.