Phalodi Satta Bazar 2026: દેશભરના 5 રાજ્યો (પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી) ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવવાના છે. આ પહેલા એક્ઝિટ પોલ તો ટીવી ચેનલો પર ચર્ચામાં છે જ, પણ સાથોસાથ રાજસ્થાનનું પ્રખ્યાત 'ફલોદી સટ્ટા બજાર' પણ સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે. ફલોદીના બુકીઓએ આ 5 રાજ્યોમાં કોની સરકાર બનશે તેને લઈને કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો છે અને ચોંકાવનારી આગાહીઓ કરી છે. જોકે, આ કોઈ સત્તાવાર કે વૈજ્ઞાનિક સર્વે નથી, પરંતુ સટ્ટા બજારનો એક અંદાજ છે, જે ક્યારેક એકદમ સાચો પડે છે તો ક્યારેક સાવ ઊંધો પણ પડે છે.
શું છે ફલોદી સટ્ટા બજાર?
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલું ફલોદી નામનું નાનકડું શહેર તેના સટ્ટા બજાર માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચૂંટણી હોય, હવામાન હોય કે પછી કોઈ મોટી રાજકીય ઘટના, અહીંના બુકીઓ દરેક બાબત પર સટ્ટો રમે છે. ઘણા લોકો આ બજારના આંકડાને જમીની સ્તરનો સાચો ટ્રેન્ડ માને છે. હાલમાં જ 5 રાજ્યોના પરિણામો માટે બજારે જે નવા આંકડા અને ભાવો જાહેર કર્યા છે, તેનાથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
કયા રાજ્યમાં કોની સરકાર? જુઓ સટ્ટા બજારના આંકડા
પશ્ચિમ બંગાળ (કાંટાની ટક્કર):
બંગાળની 294 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 148 બેઠકો જોઈએ. ફલોદી સટ્ટા બજારની આગાહી મુજબ અહીં જોરદાર ટક્કર છે. જેમાં ભાજપને 150 થી 156 બેઠકો અને TMC ને 137 થી 140 બેઠકો મળી શકે છે.
આસામ (ભાજપ ગઠબંધન મજબૂત):
126 બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં સરકાર બનાવવા 64 બેઠકો જરૂરી છે. બજારના અંદાજ મુજબ ભાજપ ગઠબંધનને 91 થી 101 બેઠકો, કોંગ્રેસ ગઠબંધનને 21 થી 31 બેઠકો અને અન્યને 0 થી 3 બેઠકો મળી શકે છે.
કેરળ (UDF આગળ):
કેરળમાં 140 બેઠકો છે અને બહુમતીનો આંકડો 71 છે. અહીં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ને 78 થી 90 બેઠકો, LDF ને 49 થી 62 બેઠકો અને ભાજપ ગઠબંધનને 0 થી 3 બેઠકો મળવાની શક્યતા છે.
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુ (DMK ની વાપસી):
234 બેઠકોવાળા તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકો જોઈએ. અહી DMK ગઠબંધન 125 થી 145 બેઠકો સાથે આગળ દેખાઈ રહ્યું છે. જ્યારે AIADMK ગઠબંધનને 65 થી 85 બેઠકો, TVK ને 16 થી 26 બેઠકો અને અન્યને 1 થી 6 બેઠકો મળી શકે છે.
પુડુચેરી (ભાજપને ફાયદો):
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની 30 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતીનો આંકડો 16 છે. સટ્ટા બજાર મુજબ અહીં ભાજપ ગઠબંધન 16 થી 20 બેઠકો સાથે જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 6 થી 8 અને અન્યને 3 થી 7 બેઠકો મળવાનો અંદાજ છે.
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
છેલ્લી ઘડી સુધી બદલાય છે સમીકરણો:
સટ્ટા બજારના નિષ્ણાતોનું કહેવું છે કે રિઝલ્ટના આગલા દિવસની મધરાત સુધી આ આંકડાઓ અને બેઠકોના અંદાજમાં સતત ઉતાર-ચઢાવ આવતો રહેતો હોય છે. હવે જોવાનું એ રહેશે કે 4 મેના રોજ જ્યારે સાચા પરિણામો આવશે, ત્યારે ફલોદી સટ્ટા બજારની આ આગાહીઓ કેટલી સાચી પડે છે.
