Pharma Sector: કેન્દ્ર સરકારે ડોક્ટરોને મફત ગિફ્ટ આપતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કડક નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ (UCPMP) ને સૂચિત કર્યું, જેના હેઠળ કોઈપણ ફાર્મા કંપની અથવા તેના એજન્ટ કોઈપણ ડૉક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં. આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ મુકવો પણ ગુનાની કેટેગરીમાં આવશે. દેશના તમામ ફાર્માસ્યુટિકલ એસોસિએશનોને લખેલા પત્રમાં યુનિયન મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝરના સંયુક્ત સચિવ રવિન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું છે કે તમામ એસોસિએશને એક નૈતિક સમિતિની રચના કરવી પડશે અને પોતાની સત્તાવાર વેબસાઇટ પર UCPMP પોર્ટલનો પણ ઉલ્લેખ કરવો પડશે. સાથે યુનિફોર્મ કોડનું પાલન કરવાનું રહેશે.


વર્ષ 2022માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ડોકટરોને ડોલો-650 ટેબ્લેટ લખવા માટે 1,000 કરોડ રૂપિયાની મફત ભેટ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે યુનિફોર્મ કોડ બનાવવાની માંગ ઉઠવા લાગી હતી. સરકારે 2014 માં UCPMP સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી પરંતુ તે કાયદાકીય રીતે બંધનકર્તા નહોતી. નવા કોડ હેઠળ જો ડોકટરો અનૈતિક રીતે ડ્રગ બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવા માટે દોષિત ઠરશે તો ફાર્મા કંપનીઓ સામે તે જ પ્રકારે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે લાંચ સંબંધિત કેસોમાં કરવામાં આવે છે.


કોન્ફરન્સના નામે કોઈ પ્રવાસ થશે નહીં


નોટિફાઈડ કોડમાં લખવામાં આવ્યું છે કે ફાર્મા કંપનીઓ કોઈપણ કોન્ફરન્સ કે સેમિનારના નામે ડોક્ટરોને વિદેશ પ્રવાસની ઓફર કરી શકશે નહીં. આટલું જ નહીં, ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા, મોંઘા ભોજન અને રિસોર્ટ જેવી લક્ઝુરિયસ ઑફર્સ પણ કરી શકાશે નહીં. આ સંહિતા રોકડ અથવા નાણાકીય ચૂકવણીને પણ પ્રતિબંધિત કરે છે.


ફ્રી સેમ્પલનો સંપૂર્ણ હિસાબ રાખવો પડશે


આ યુનિફોર્મ કોડ સ્પષ્ટ કરે છે કે દવાઓના મફત નમૂનાઓ એવી કોઈ વ્યક્તિને આપવામાં આવશે નહીં કે જે આવી પ્રોડક્ટ લખવા માટે લાયક નથી. કંપનીએ દરેક પ્રોડક્ટનું નામ, ડૉક્ટરનું નામ, પૂરા પાડવામાં આવેલ નમૂનાઓની માત્રા, મફત નમૂનાના સપ્લાયની તારીખ જેવી વિગતો આપવી પડશે.