નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી લોકડાઉન લાદવાની તૈયારીમાં હોવાના મેસેજ વાયરલ થયા છે. આ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી છે. મોદી સરકારે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.


મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા આ સમાચારને ફેક ન્યુઝ ગણાવીને સ્પષ્ટતા કરાઈ છે કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત ના કરાય ત્યાં સુધી આ પ્રકારના કોઈ પણ સમાચારો પર વિશ્વાસ કરવો નહીં. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ફેક્ટ ચેક મારફતે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદી દેવાશે એવી ટ્વિટ વાયરલ થઈ છે એ ગેરમાર્ગે દોરનારી છે. આ ટ્વિટ મોર્ફ કરેલી છે અને ટોચના મીડિયા હાઉસના નામે ફરતી કરાઈ છે કે જેથી લોકોને ગેરમાર્ગે દોરી શકાય. આ મીડિયા હાઉસે પણ સ્પષ્ટતા કરી છે કે, તેના દ્વારા આવી કોઈ ટ્વિટ કરાઈ નથી તેથી લોકોએ તેના પર વિશ્વાસ કરવો નહીં. મોદી સરકારે પણ આવો કોઈ નિર્ણય લીધો નથી.