Child's Vaccination: દેશમાં બે દિવસથી 15 થી 18 વર્ષના તરૂણોને કોરોના રસી આપવાનું શરૂ થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં વેક્સિન બાળકો માટે હાનિકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, એક ઓડિયોમાં વેક્સિનની જીન થેરાપી અને ખાસ કરીને બાળકો માટે હાનિકારક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોવિડ-19ને 5જી સાથે જોડીને દાવા કરવામાં આવ્યા છે. જે બાદ સંસ્થાએ લખ્યું છે- આ તમામ દાવા બોગસ અને ભ્રામક છે. દેશમાં લગાવવામાં આવતી વેક્સિન સુરક્ષિત છે. વેક્સિન સંબંધી આવી ભ્રામક જાણકારી શેર ન કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં 3,43,06,414 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 4,82,017 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,46,70,18,464 લોકોનું રસીકરણ કરાયું છે.