India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
વ્યૂહાત્મક નિર્ણય: રશિયન ઓઈલ પર ટ્રમ્પની ચેતવણી વચ્ચે વાણિજ્ય મંત્રીએ કહ્યું- "અમે અમારા સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ"; વેપાર કરાર (FTA) નો અર્થ કોઈની પાસેથી જબરદસ્તી ખરીદી કરવી નથી.

Piyush Goyal Statement: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અને ખાસ કરીને ક્રૂડ ઓઈલની ખરીદીને (Crude Oil Purchase) લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે રવિવારે (8 February, 2026) એક મહત્વનું અને રાજદ્વારી નિવેદન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં એક શરત મૂકી હતી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે તો તેના પર 25% ટેરિફ દંડ લાદવામાં આવશે.
આ સંવેદનશીલ મુદ્દે ગોયલે રશિયાનું નામ લીધા વિના અત્યંત મુત્સદ્દીગીરીભર્યો જવાબ આપતા કહ્યું હતું કે, "અમેરિકા પાસેથી તેલ ખરીદવું એ ભારતના પોતાના હિતમાં છે." એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ગોયલને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાના દબાણ હેઠળ ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે? ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને ભારતની ઉર્જા સુરક્ષા પર ભાર મૂક્યો હતો.
ગોયલે સ્પષ્ટ કર્યું કે, "અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ, એલએનજી (LNG) અથવા એલપીજી (LPG) ખરીદવું એ ભારતના 'વ્યૂહાત્મક હિત' (Strategic Interest) માં છે. અમે અમારા ઉર્જા સ્ત્રોતોનું 'ડાયવર્સિફિકેશન' (વૈવિધ્યીકરણ) કરી રહ્યા છીએ જેથી ઉર્જાની જરૂરિયાતો માટે કોઈ એક દેશ પર નિર્ભર રહેવું ન પડે." આ નિવેદન દર્શાવે છે કે ભારત પોતાની શરતો પર વ્યાપાર કરવા માંગે છે.
રશિયન તેલ ખરીદવા પર અમેરિકાના વાંધા અંગેના પ્રશ્ન પર તેમણે કુનેહપૂર્વક કહ્યું કે આ વિષય 'વિદેશ મંત્રાલય' (Ministry of External Affairs) ના અધિકારક્ષેત્રમાં આવે છે, જે યોગ્ય સમયે અને યોગ્ય પ્લેટફોર્મ પર તેનો જવાબ આપશે. વાણિજ્ય મંત્રી તરીકે તેમનું કામ વેપાર વધારવાનું છે, ભૌગોલિક રાજકારણ (Geopolitics) પર ટિપ્પણી કરવાનું નહીં.
શું રશિયન ઓઈલ કે ડિફેન્સ ડીલ ભારત-અમેરિકાના વેપાર કરારમાં અવરોધ રૂપ બનશે? આ સવાલના જવાબમાં ગોયલે સ્પષ્ટ "ના" કહી હતી. તેમણે સમજાવ્યું કે, "કોઈપણ 'વેપાર સોદો' (Trade Deal) એ નક્કી નથી કરતો કે કોણે કોની પાસેથી શું ખરીદવું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવવાનો અને અવરોધો દૂર કરવાનો છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) નો અર્થ કોઈની પાસેથી જબરદસ્તી ખરીદી કરવી નથી, પરંતુ બજારમાં 'પ્રેફરન્શિયલ એક્સેસ' (Preferential Access) આપવાનો છે. ભારત અને અમેરિકા બંને લોકશાહી દેશો છે અને બંને પોતપોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને જ આગળ વધશે.
ગોયલે અંતમાં જણાવ્યું હતું કે, "જ્યારે અમને 18% પારસ્પરિક ટેરિફનો લાભ મળે છે, ત્યારે ભારતને અન્ય વિકાસશીલ દેશો (જે આપણા હરીફ છે) કરતા મોટો આર્થિક ફાયદો મળે છે." આમ, ભારત અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવા તો માંગે છે, પરંતુ પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.























