PM Cares For Children: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોરોના સમયગાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને સશક્ત બનાવવા માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પીએમ કેર્સ ફંડમાંથી અનાથોના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ મોકલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર અનાથ બાળકોની સાથે છે. અમે બાળકોને કોઈપણ રીતે મદદ કરીશું.


શું કહ્યું પીએમ મોદીએ


પીએમ મોદીએ કહ્યું, હું તમારી સાથે પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે. આપણી સાથેથી જે લોકો જતા રહે છે તેની થોડીક જ યાદો છે, પરંતુ જે બાકી રહે છે તેમણે પડકારો સામનો કરવો પડે છે.






બાળકોની તકલીફો ઓછી કરવા માટે એક નાનકડો પ્રયાસ


વડાપ્રધાને કહ્યું કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે. દરેક દેશવાસી સંવેદનશીલતા સાથે તમારી સાથે છે.  બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈને પ્રોફેશનલ કોર્સ, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય તો પીએમ કેર્સ તેમાં પણ મદદ કરશે.


દર મહિને ચાર હજાર રૂપિયા મળશે


પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય યોજનાઓ દ્વારા આવા બાળકો માટે અન્ય દૈનિક જરૂરિયાતો માટે દર મહિને રૂ. 4000ની જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે આવા બાળકો તેમનું શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે ભવિષ્ય માટે વધુ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશો તો તમને એકસાથે 10 લાખ રૂપિયા મળશે.






પાંચ લાખ સુધીની મફત સારવાર


પીએમ મોદીએ કહ્યું, જો બાળક બીમાર પડે તો તેને સારવાર માટે પૈસાની જરૂર પડે છે. જેથી બાળકોએ ચિંતા કરવાની જરૂર નથી. આયુષ્માન હેલ્થ કાર્ડ તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આપવામાં આવી રહ્યું છે, તે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આપશે.