Bank Deposit Programme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે  દેશના બેન્કિંગ સેક્ટર અને દેશના કરોડો બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ માટે મહત્વપૂર્ણ દિવસ છે. દાયકાઓથી ચાલી રહેલી એક મોટી સમસ્યાનું કેવી રીતે સમાધાન નીકળે છે તેનો આજનો દિવસ સાક્ષી રહ્યો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ ડિપોઝીટર્સના ફસાયેલા પૈસા તેમના ખાતામાં જમા થઇ ગયા છે. આ રકમ લગભગ 1300 કરોડ રૂપિયાથી વધુ હતી. આજનો આ કાર્યક્રમમાં અને ત્યારબાદ પણ ત્રણ લાખ એવા અન્ય ડિપોઝિટર્સના પૈસા તેમના ખાતામાં જમા થવાના છે. કોઇ પણ દેશની સમસ્યાઓને સમય પર સમાધાન કરીને તેને વિકરાળ થતા બચાવી શકે છે પરંતુ વર્ષો સુધી આપણે ત્યાં એ પ્રવૃતિ રહી છે કે સમસ્યા છે તો તેને ટાળી દો. આજનું નવું ભારત સમસ્યાના સમાધાન પર ભાર મુકે છે, સમસ્યાને ટાળતું નથી


વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉ લોકોના કોઇ પણ બેન્કમાં ફસાયેલા પોતાના પૈસા પ્રાપ્ત કરવા માટે વર્ષો લાગી જતા હતા. આપણા નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબોએ આ સમસ્યાનો સામનોકર્યો છે.  આ સ્થિતિ બદલવા માટે અમારી સરકારે ખૂબ સંવેદનશીલતા સાથે ફેરફાર કર્યા અને રિફોર્મ કરવામાં આવ્યું. આપણા દેશમા બેન્ક ડિપોઝીટર્સ માટે ઇન્શોરન્સની વ્યવસ્થા 60ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ બેન્કમાં જમા રકમ પર ફક્ત 50 હજાર રૂપિયા સુધીની રકમ પર ગેરન્ટી હતી પછી તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી હતી. અમે  રકમને એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે કોઇ પણ બેન્ક જો સંકટમાં આવી જાય છે તો ખાતાધારકોને પાંચ લાખ રૂપિયા સુધી જરૂર મળશે. જેનાથી લગભગ 98 ટકા લોકોના ખાતા પુરી રીતે કવર થઇ જાય છે. આજે ખાતાધારકોના લગભગ 76 લાખ કરોડ રૂપિયા પુરી રીતે સુરક્ષિત છે.