વકફ સુધારા બિલને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ વક્ફ સુધારા બિલ 2025 પાસ કરવામા આવ્યું હતું. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.

પીએમ મોદીએ કહ્યું- સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ (સુધારા) બિલ પસાર થવું એ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટેના આપણા સામૂહિક પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આનાથી ખાસ કરીને એવા લોકોને મદદ મળશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અવાજ અને તક બંનેથી વંચિત છે.

પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો

સંસદીય અને સમિતિની ચર્ચાઓમાં ભાગ લેનારા પોતાના મંતવ્યો વ્યક્ત કરનારા અને આ કાયદાઓને મજબૂત બનાવવામાં યોગદાન આપનારા તમામ સાંસદોનો આભાર. સંસદીય સમિતિને પોતાના મૂલ્યવાન સૂચનો મોકલનારા અસંખ્ય લોકોનો પણ ખાસ આભાર. ફરી એકવાર વ્યાપક ચર્ચા અને સંવાદના મહત્વની પુષ્ટી થઇ છે.

તેમણે આગળ લખ્યું હતું કે, 'હવે આપણે એવા યુગમાં પ્રવેશ કરીશું જ્યાં માળખું વધુ આધુનિક અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલ હશે.' વધુ વ્યાપક રીતે અમે દરેક નાગરિકના ગૌરવને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ રીતે આપણે એક મજબૂત, વધુ સમાવેશી અને વધુ દયાળુ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ.

બંને ગૃહોમાં કેટલા મત પડ્યા?

રાજ્યસભામાં બિલ પર ચર્ચા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે 2 વાગ્યા પછી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સરકાર બિલ પસાર કરવામાં સફળ રહી હતી. વક્ફ સુધારા બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. આ રીતે 12 કલાકથી વધુ સમયની ચર્ચા પછી રાજ્યસભા દ્વારા સવારે 2:32 વાગ્યે વકફ બિલ પસાર કરવામાં આવ્યું હતું.