PM Modi Rs 2 lakh compensation 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્ર વચ્ચેની રેલ સેવાને ઐતિહાસિક રીતે જોડી. આ પ્રસંગે, તેમણે ભારત-પાકિસ્તાન સરહદી મુકાબલા દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જેમના ઘરોને નુકસાન થયું છે તેવા લોકોને મોટી રાહતની જાહેરાત કરી, તેમજ પાકિસ્તાનને ફરી એકવાર કડક ચેતવણી ઉચ્ચારી.

ગોળીબાર અસરગ્રસ્તો માટે આર્થિક સહાય

વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, પાકિસ્તાની ગોળીબારથી જેમના ઘરોને સંપૂર્ણ નુકસાન થયું છે તેમને ₹૨ લાખ અને જેમના ઘરોને આંશિક નુકસાન થયું છે તેમને ₹૧ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટી આર્થિક મદદરૂપ થશે.

જમ્મુ-કાશ્મીરના વિકાસ અને રેલ કનેક્ટિવિટી

પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ કેન્દ્રની વિવિધ વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પ્રોજેક્ટ્સ માત્ર નામ નથી, તે જમ્મુ-કાશ્મીરની નવી તાકાતની ઓળખ છે. તે ભારતની નવી તાકાતનો ઉદ્ઘાટન છે. આજે, જમ્મુ-કાશ્મીરને બે નવી વંદે ભારત ટ્રેનો પ્રાપ્ત થઈ છે અને જમ્મુમાં એક નવી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે." તેમણે ઉમેર્યું કે ચેનાબ બ્રિજ અને અંજી બ્રિજ જેવા પ્રોજેક્ટ્સ જમ્મુ-કાશ્મીર માટે સમૃદ્ધિનું સાધન બનશે, જેનાથી પર્યટન અને અર્થતંત્રના અન્ય ક્ષેત્રોને ફાયદો થશે. રેલ કનેક્ટિવિટી બંને પ્રદેશોના વેપારીઓ માટે નવી તકો ઊભી કરશે અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

'જમ્મુ-કાશ્મીર ભારત માતાનો મુગટ'

વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરને "ભારત માતાનો મુગટ" ગણાવ્યું. તેમણે કહ્યું કે આ મુગટ પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક ચેતના, પ્રકૃતિની સુંદરતા, ઔષધિઓની દુનિયા, ફળો અને ફૂલોનો વિસ્તરણ, અને અહીંના યુવાનોના કૌશલ્ય જેવા સુંદર રત્નોથી જડિત છે.

'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાનને કડક સંદેશ

પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "આજે ૬ જૂન છે. સંયોગથી, બરાબર એક મહિના પહેલા આજની રાત્રે, પાકિસ્તાનના આતંકવાદીઓ પર વિનાશ વેર્યો હતો. હવે જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, ત્યારે તેને તેની શરમજનક હાર યાદ આવશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ પર આ રીતે હુમલો કરશે અને તેમની વર્ષોની મહેનતથી બનાવેલી આતંકની ઇમારતો થોડીવારમાં ખંડેર બની જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના યુવાનોએ હવે આતંકવાદને યોગ્ય જવાબ આપવાનું મન બનાવી લીધું છે.