નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી.
સંબોધન પૂરું થયા બાદ પ્રધાનમંત્રીએ ટ્વિટર ડીપી બદલ્યો હતો. નવી ડીપીમાં તેઓ મોં અને નાકને સફેદ તથા લાલા રંગના ગમછાથી ઢાંકેલા નજરે પડી રહ્યા છે. નવા ડીપી દ્વારા પીએમ મોદીએ તમામ લોકોને માસ્ક ફરજિયાત પહેરવાનો સંદેશો આપ્યો છે. શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત દરમિયાન તેઓ સાવધાનીના ભાગરૂપે ઘરમાં જ બનેલા આ માસ્ક સાથે નજરે પડ્યા હતા.
રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ સાત વખત હાથ જોડ્યા હતા. તેમણે લોકોને તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવા કહ્યું હતું. સંબોધનમાં મોદીએ કહ્યું કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,363 પર પહોંચી છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 1036 લોકો સ્વસ્થ થઈ ગયા છે.