નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ ઘટના બાદ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને નિવેદન જાહેર કરીને નિંદા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે, તેને બક્ષવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત થશે.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ શું બોલ્યા ?
હવે આ મામલે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય રક્ષા મંત્રીએ લખ્યું, 'પહલગામ (જમ્મુ અને કાશ્મીર)માં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ કાયરતાપૂર્ણ હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.'