નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 2.85 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વિતેલા વર્ષ 2019માં પીએમ મોદીની સંપત્તિ 2.49 કરોડ રૂપિયાની હતી. હવે 30 જૂન 2020 સુધીમાં મોદીની સંપત્તિમાં 36 લાખ રૂપિયા વધી ગઈ છે. પીએમ મોદીએ ખુદ તેમની સંપત્તિ જાહેર કરી છે. હવેથી પીએમ અને તેમના તમામ કેબિનેટની સંપત્તિ જાહેર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.


પીએમ મોદીની સંપત્તિ બેંક, પોસ્ટ અને કેટલીક અન્ય સુરક્ષિત જગ્યાએ રોકાણથી વધી છે. તેમની કમાણીનો મોટા ભાગનો હિસ્સે ટર્મ ડિપોઝિટ્સ અને બચત ખાતામાં જમા છે. બેંકોમાં ડિપોઝિટ્સથી તેમને 3.3 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.

કેટલી ચલ અને અચલ સંપત્તિ

પીએમ મોદી પાસે કુલ એક કરોડ 75 લાખ 63 હજાર 618 રૂપિયાની ચલ સંપત્તિ છે. 30 જૂન સુધીમાં તેમની પાસે રોકડ માત્ર 31,450 રૂપિયાની હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંકમાં ત્રણ લાખ 38 હજાર 173 રૂપિયા જમા છે. એફડીઆર અને એમઓડીમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 939 રૂપિયા જમા છે. એનએસસીમાં અંદાજે 8 લાખ 43 હજાર 124 રૂપિયા જમા કરાવ્યા છે. જીવન વીમા પોલીસામાં 1,50,957 રૂપિયા જાય છે. જાન્યુઆરી 2012માં તેમણે 20,000 રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજી સુધી મેચ્યોર થઇ નથી. વિતેલા વર્ષની તુલનામાં ચલ સંપત્તિમાં 26.26 ટકાનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મોદીના નામે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 વર્ગ ફુટનો એક પ્લોટ છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. પીએમ મોદી પર કોઈ લોન નથી અને ન તો તેમની પાસે પોતાની કોઈ કાર છે. તેમની પાસે સોનાની ચાર વિંટી છે જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે.