નવી દિલ્હી: ભારત પાક તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રક્ષામંત્રી રાજનાત સિંહ, NSA અજીત ડોભાલ, CDS અને ત્રણેય સેનાના વડા સાથે મુલાકાત કરી છે. ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, રાજસ્થાનના જેસલમેરમાં વર્તમાન પરિસ્થિતિને લઈ હાલ સુરક્ષાના ભાગરૂપે લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
ભારતના લશ્કરી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 26 સ્થળોએ હુમલો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહારને અડીને આવેલી ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. સુપૌલમાં ભારત-નેપાળ સરહદ પર વહીવટીતંત્રે તકેદારી વધારી દીધી છે. ડોગ સ્ક્વોડ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અને SSB શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહ્યા છે. સામાન્ય લોકોને પણ આવા તત્વો પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.
ભારતના હુમલામાં અનેક આતંકીઓ ઠાર મરાયા હતા
ભારતના હુમલામાં અનેક આતંકીઓ ઠાર મરાયા હતા. લશ્કરનો મોટો આતંકી મુદસ્સર કાદિયાન ઠાર મરાયો હતો. તે સિવાય જૈશનો ટોપ કમાન્ડર હાફિઝ મહોમ્મદ ઝમીલ પણ ઠાર મરાયો હતો. ઉપરાંત મોહમ્મદ યુસુફ અઝહર, લશ્કરનો ટોપ કમાન્ડર ખાલિદ ઉર્ફે અબ્બુ અકસા, જૈશનો ટોપ કમાન્ડર મોહમ્મદ હસન ખાન ઠાર મરાયો હતો. સાત, મેએ ભારતે કરેલી એરસ્ટ્રાઈકમાં પાંચ આતંકી ઠાર મરાયા હતા.
પાકિસ્તાન ભારતીય સંરક્ષણ ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, "પાકિસ્તાન ભારતીય સંરક્ષણ ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને પંજાબમાં હાઇ સ્પીડ મિસાઇલો છોડી જેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર નિયંત્રિત હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે."
સેનાની પ્રેસ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે, "પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે."