BJP Meeting Hyderabad: હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીની (BJP National Executive Meeting) બે દિવસની બેઠક શરુ થઈ છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું ઉદ્ઘાટન કર્યું. કારોબારીની બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓને પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા છે. આ પહેલા હૈદરાબાદ પહોંચતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ભાગ લેવા માટે ગતિશીલ શહેર હૈદરાબાદમાં ઉતર્યા. આ બેઠક દરમિયાન અમે પાર્ટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. "
પીએમ મોદી રાષ્ટ્રીય કાર્યકારીણીને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન આગામી સમયમાં પાર્ટી માટે રોડમેપ આપે તેવી અપેક્ષા છે, ખાસ કરીને જ્યારે ગુજરાત જેવા મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી પછી આ પહેલીવાર છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્યોની સંપૂર્ણ ભાગીદારી સાથે બેઠક યોજાઈ રહી છે. નવેમ્બર 2021 માં યોજાયેલી છેલ્લી બેઠકમાં, નેતાઓ શારીરિક તેમજ વર્ચ્યુઅલ રીતે હાજર હતા. ભાજપની આ બેઠક પહેલા હૈદરાબાદ શહેરમાં પાર્ટીના ઝંડા અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. પોસ્ટરમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?
આ બેઠક હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થઈ રહી છે. જેમાં પીએમ મોદી(PM Modi)ની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda ), કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah), 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજરી આપી રહ્યા છે. બેઠક પહેલા પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યું કે બેઠકમાં 2 પ્રસ્તાવ મોકલવામાં આવશે. એક રાજકીય પ્રસ્તાવ છે અને બીજો અર્થતંત્ર અને ગરીબ કલ્યાણનો છે. આ ઉપરાંત હૈદરાબાદમાં 'હર ઘર ત્રિરંગા'ની કવાયત અંગે ચર્ચા કરવા માટે ભાજપની બેઠક યોજાઈ રહી છે. 20 કરોડ લોકો સુધી પહોંચવાની અમારી યોજના છે.