વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (RJD Supremo Lalu prasad Yadav)ની તબિયત અંગે જાણકારી મેળવી છે.  લાલુ પ્રસાદની હાલ પટનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લાલુ પ્રસાદ રવિવારે સાંજે પટનાના રાબડી નિવાસસ્થાને સીડી પરથી ઉતરતી વખતે પડી ગયા હતા. જેના કારણે તેમને  કમર અને ખભામાં ઈજા પહોંચી હતી. લાલુ યાદવને તેમના જમણા ખભામાં એક ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ રવિવારે રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી અને સોમવારે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલમાં સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.


જણાવી દઈએ કે લાલુ યાદવ 10 સર્કુલર રોડ સ્થિત રાબડી દેવીના સત્તાવાર નિવાસ સ્થાને પડી ગયા હતા. આ પછી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે લાલુને ખભામાં સામાન્ય ફ્રેક્ચર હોવાનું જણાવીને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. જો કે, તે જ દિવસે મોડી રાત્રે, તેમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને સોમવારે વહેલી સવારે પટનાના બેઈલી રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમને ઘણી બધી બિમારી છે.  ત્યારથી લાલુ પરિવારમાં નિરાશા છવાઈ ગઈ છે.


લાલુ યાદવની તબિયતને લઈને ચિંતા વધી


તે જ સમયે, આરજેડી કાર્યકર્તાઓ પણ લાલુ યાદવના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. લાલુ યાદવની તબિયત અંગે જાણવા માટે ઘણા નેતાઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મંગળવારે સાંજે ભાજપના નેતા અને મંત્રી નીતિન નવીન સહિત અનેક નેતાઓ તેમની તબિયત અંગે જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી અને જમુઈના સાંસદ ચિરાગ પાસવાન સહિત ઘણા નેતાઓ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન લાલુ યાદવના બંને પુત્રો તેજપ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ હોસ્પિટલમાં હાજર હતા. સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોએ લાલુ પ્રસાદના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.


તમને જણાવી દઈએ કે 75 વર્ષીય લાલુ પ્રસાદ યાદવને કીડની ઈન્ફેક્શન, ફેફસામાં પાણી જમા થવુ અને બ્લડ પ્રેશર સહિત અનેક બીમારીઓ છે. તે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જઈને ડોક્ટરોની સલાહ લેવા ઈચ્છતા હતા. આ માટે તાજેતરમાં જ કોર્ટે તેમનો પાસપોર્ટ જારી કર્યો છે. હાલના સમયે, લાલુ યાદવ હાલમાં પટનાની એક હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું છે. જો કે, ડોકટરો તેમની કિડનીને લઈને ચિંતિત છે, જેના માટે તેમને દિલ્હી પણ મોકલી શકાય છે.