Pm Narendra Modi Thanks : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં કોંગ્રેસને યુપીએ યુગની યાદ અપાવીને તેમના પર એક એક કરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 2004થી 2014ના દાયકાને લોક ડિકેડ એટલે કે ગુમ થયેલા દાયકા ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે યુપીએ યુગની કથિત ખરાબ અર્થવ્યવસ્થા, ડબલ ડિજિટ મોંઘવારી, આંતરિક સુરક્ષા મોરચે સરકારની નબળાઈ, આતંકવાદી હુમલા અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદીની એક ટિઝળે સંસદમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. 


વાત જાણે એમ હતી કે, પીએમના ભાષણની વચ્ચે જ ઘણા વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. કોંગ્રેસના પણ સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં. સાંસદોના વોકઆઉટ પર સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને કહ્યું હતું કે, આ સંસદીય પરંપરાઓ અનુસાર નથી. તમે તથ્યો વિના બોલો છો અને સાંભળતા નથી. આ ઘટનાને લઈ પીએમ મોદીએ થોડીક સેકન્ડના વિરામ બાદ પોતાનું ભાષણ ફરી શરૂ કર્યું અને કહ્યું હતું કે, 20-30નો દશક ભારતનો દાયકો હશે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત દરેક ક્ષણે આ યાદ રાખશે કે 2014 પહેલાનો દશક ખોવાયેલા દાયકા તરીકે ઓળખાશે. 20-30નો દાયકો એ ભારતનો દાયકો છે એનો ઈન્કાર ના કરી શકાય.


પીએમ મોદી જ્યારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. પરંતુ શશિ થરૂર સંસદમાં પહેલા પાછા આવી ગયા. ત્યારે જ પીએમ મોદીની નજર શશિ થરૂર પર પડી જે ઘણા વિપક્ષી સાંસદોના વોકઆઉટ પછી પણ ગૃહમાં બેઠા હતા. જેને લઈને વડાપ્રધાને હસતાં હસતાં કહ્યું- આભાર શશિજી. 


'કોંગ્રેસમાં ફાટ પડી.... ફાડ પડી'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યવાદ બોલતાની સાથે જ તમામ લોકો સંસદમાં હસવા લાગ્યા હતાં. આ દરમિયાન ભાજપના કેટલાક સભ્યોએ ટિપ્પણી કરી કે કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે, કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. બાદમાં થોડા વિરામ પછી વડાપ્રધાન મોદીએ તેમનું ભાષણ આગળ ધપાવ્યું હતું. તેમણે 'લોકશાહીમાં ટીકા'ના મુદ્દા પર આગળ વાત કરી અને ભારતને 'લોકશાહીની માતા' પણ ગણાવી. જોકે કોંગ્રેસના બાકીના સાંસદો થોડીવાર બાદ સંસદમાં પરત ફર્યા હતા.