PM Modi meeting: રાજધાની દિલ્હીમાં બુધવારે એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એકસાથે જોવા મળ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા દેશના નવા મુખ્ય માહિતી કમિશનર (CIC) અને અન્ય કમિશનરોની નિમણૂક કરવાનો હતો. જોકે, લગભગ બે કલાક સુધી ચાલેલી આ મિટિંગમાં સર્વસંમતિ સધાઈ શકી ન હતી. અહેવાલો મુજબ, રાહુલ ગાંધીએ અધિકારીઓની પસંદગી પ્રક્રિયા અને નામોને લઈને પોતાની અસંમતિ (Note of Dissent) વ્યક્ત કરી હતી.

Continues below advertisement

ત્રણ દિગ્ગજ નેતાઓ વચ્ચે 2 કલાક સુધી ચાલી મિટિંગ

બુધવાર (10 ડિસેમ્બર, 2025) ના રોજ વડાપ્રધાનના નિવાસસ્થાને એક અત્યંત મહત્વપૂર્ણ સિલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષ સ્થાને હતા, જ્યારે સમિતિના અન્ય સભ્યો તરીકે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય માહિતી આયોગ (CIC) માં ખાલી પડેલા મુખ્ય કમિશનર અને અન્ય 8 માહિતી કમિશનરોના પદો ભરવાનો હતો. આ ઉપરાંત સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) ના પદ માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

Continues below advertisement

રાહુલ ગાંધીએ કેમ નોંધાવ્યો વિરોધ?

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, આ બેઠકમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નામો અને પસંદગીની પ્રક્રિયા સામે રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો હતો. લોકશાહી પ્રક્રિયામાં વિપક્ષના નેતાનો અભિપ્રાય મહત્વનો હોય છે. રાહુલ ગાંધીએ અધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા અને યોગ્ય માપદંડોને લઈને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રેકોર્ડ પર પોતાની અસંમતિ નોંધાવી હતી. આનો અર્થ એ થયો કે સરકાર જે નામો પર આગળ વધવા માંગતી હતી, તેની સાથે વિપક્ષ સહમત નહોતો.

સુપ્રીમ કોર્ટનું દબાણ અને પેન્ડિંગ કેસોનું ભારણ

સરકારે આ પ્રક્રિયામાં ઝડપ એટલા માટે લાવી પડી છે કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 1 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બાંહેધરી આપી હતી કે 10 ડિસેમ્બરે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક મળશે અને નિમણૂકો માટે નામોની ભલામણ કરશે. હાલમાં CIC ની સ્થિતિ ચિંતાજનક છે. સત્તાવાર વેબસાઈટ મુજબ, આયોગમાં 30,838 જેટલા કેસો પેન્ડિંગ છે. આટલા મોટા ભારણ સામે અત્યારે માત્ર બે જ માહિતી કમિશનર (આનંદી રામલિંગમ અને વિનોદ કુમાર તિવારી) ફરજ બજાવી રહ્યા છે, જ્યારે બાકીના 8 પદો ખાલી હોવાથી કામગીરી ખોરંભે પડી છે.

કેવી રીતે થાય છે પસંદગી?

માહિતી કમિશનરની નિમણૂક માટેની પ્રક્રિયા બંધારણીય રીતે નક્કી થયેલી છે. આ માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. સમિતિમાં લોકસભાના વિપક્ષના નેતા (હાલમાં રાહુલ ગાંધી) અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી (હાલમાં અમિત શાહ) સભ્યો તરીકે હોય છે. આ સમિતિ જે નામોની ભલામણ કરે છે, તેના આધારે રાષ્ટ્રપતિ દ્વારા આખરી નિમણૂક કરવામાં આવે છે.

કોંગ્રેસનો જૂનો વિરોધ યથાવત

આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે CIC નિમણૂક પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હોય. વર્ષ 2020 માં પણ તત્કાલીન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પસંદગી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વગર પોતાની મરજી મુજબ નિમણૂકો કરી રહી છે. રાહુલ ગાંધીનો વર્તમાન વિરોધ પણ પારદર્શિતાના મુદ્દે જ હોવાનું મનાય છે.