PM Modi Return From US-Egypt Visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકા અને ઇજિપ્તના પાંચ દિવસના પ્રવાસ બાદ રવિવારે (25 જૂન) મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. વડાપ્રધાનની આ મુલાકાત ઘણી રીતે ઐતિહાસિક હતી અને આ દરમિયાન અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. પાલમ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ સાથે દિલ્હીના તમામ સાંસદો પણ પીએમના સ્વાગત માટે હાજર રહ્યા હતા. એરપોર્ટ પર જેપી નડ્ડા અને પાર્ટીના નેતાઓને મળવા પર પીએમ મોદીએ તેમને એક સવાલ કર્યો હતો.






પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ પત્રકારોને કહ્યું હતું કે પીએમ મોદીએ નડ્ડાને પૂછ્યું હતું કે અહીં કેવું ચાલી રહ્યું છે. નડ્ડાએ તેમને કહ્યું હતું કે (કેન્દ્ર) સરકારના 9 વર્ષના રિપોર્ટ કાર્ડ સાથે પાર્ટીના નેતાઓ લોકો સુધી પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. પીએમનું સ્વાગત કરવા પહોંચેલા બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે પીએમએ પૂછ્યું કે દેશમાં શું થઈ રહ્યું છે અને પાર્ટીનો જન સંપર્ક કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે. અમે તેમને આ અંગે જાણ કરી હતી.






પીએમ મોદીની મુલાકાત 20 જૂનથી શરૂ થઈ હતી


વડાપ્રધાન મોદી 20 જૂને જો બાઇડન  અને જિલ બાઇડનના આમંત્રણ પર અમેરિકાની તેમની પ્રથમ રાજકીય મુલાકાતે ગયા હતા. ન્યૂયોર્કમાં તેમણે 21 જૂનના રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ પછી પીએમ મોદી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, જ્યાં બાઇડને વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કર્યું હતું. બંન્ને નેતાઓએ 22 જૂને ઐતિહાસિક સમિટ યોજી હતી, જેના પછી પીએમ મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું.


યુએસ કોંગ્રેસને પીએમ મોદીનું આ બીજું સંબોધન હતું અને તે આમ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે (22 જૂન), બાઇડને પીએમ મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં યુએસ કોંગ્રેસના સભ્યો અને રાજદ્વારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. યુએસ મુલાકાત દરમિયાન, સંરક્ષણ, અવકાશ અને વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે ઘણા મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


પીએમ શનિવારે ઇજિપ્ત પહોંચ્યા હતા


અમેરિકાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 24 જૂન શનિવારના રોજ ઇજિપ્તની રાજધાની કાહિરા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની બે દિવસીય મુલાકાત પર પહોંચ્યા હતા.  પીએમ મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે વાતચીત કરી અને  બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. જેમાં વેપાર અને રોકાણ, ઉર્જા સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.


પીએમ મોદીને ઇજિપ્તમાં સૌથી મોટું સન્માન મળ્યું


ઈજિપ્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંનું સૌથી મોટું સન્માન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અલ-સીસીએ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી નવાજ્યા હતા. વડાપ્રધાન મોદીને વિદેશમાં મળેલું આ 13મું સર્વોચ્ચ સન્માન છે.