ગાંધીનગરઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 સહિત 35 ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે અહીં આવવું મારું સૌભાગ્ય છે. દેવભૂમિ લોકોને આકર્ષિત કરે છે. લોકોની સેવા કરવાની મારી યાત્રા ઘણા સમયથી ચાલી રહી છે. આજથી 20 વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રીથી મેં સેવા કરવાનો પ્રારંભ કર્યો. પહેલા મુખ્યમંત્રી અને બાદમાં દેશની જનતાના આશીર્વાદથી પ્રધાનમંત્રી બનવાની મેં કલ્પના નહોતી કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ PM Cares PSA ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અન્વયે ભરૂચ સિવીલ હોસ્પિટલમાં PSA પ્લાન્ટના લોકાર્પણ સમારોહમાં સહભાગી થયા હતા. ગુજરાતને PM Cares Fund અન્વયે ૮૭ મેટ્રીક ટનની ક્ષમતાના પ૯ PSA પ્લાન્ટ પૂરા પાડવામાં આવનારા છે તે પૈકી પ૮ PSA પ્લાન્ટ કાર્યરત થઇ ગયા છે.
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ઋષિકેશ થી ઇ-લોકાર્પણ દ્વારા ગુજરાતમાં ભરૂચ, પાટણ, પાલનપૂર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપૂર, ગરૂડેશ્વર, ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, સ્મીમેર હોસ્પિટલ સુરત, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગરના PSA પ્લાન્ટ જનઆરોગ્ય સેવામાં સમર્પિત કર્યા હતા.
ભરૂચમાં આ PSA પ્લાન્ટના લોકાર્પણ અવસરે સાંસદ મનસુખભાઇ વસાવા, નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લાના વિધાયકો, અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.