નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પોતાના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયો અને તેને લઇને દેશમાં આવેલા ફેરફારને લઇને પોતાના વિચારો જણાવ્યા હતા. આ દરમિયાન તેમણે આજના ભારતને નિડર અને નિર્ણાયક ગણાવતા કહ્યું કે, આજનું ભારત, નવું ભારત છે. તેમણે કહ્યું કે, આજના દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં ડર પેદા થઇ ગયો છે અને આ ડર સારો છે.

વડાપ્રધાને કહ્યું કે, એક-એક જવાનનું લોહી આપણા માટે અનમોલ છે. તેમણે સવાલ કર્યો હતો કે  અગાઉ કોઇ જવાન શહીદ થતો હતો તો તેના જવાબમાં કોઇ મોટી કાર્યવાહી થતી હતી? પરંતુ હવે કોઇ ભારતને આંખ બતાવવાનો પ્રયાસ કરી શકતું નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલની સરકાર દેશહિતમાં તમામ નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે. અમારી સરકારના નેતૃત્વમાં દેશ નવી નીતિ અને નવી રીતિ પર ચાલી રહ્યો છે અને આખી દુનિયા તેને સમજી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સવા કરોડ દેશવાસીઓના વિશ્વાસ સાથે દેશ આગળ વધી રહ્યો છે અને આ એકતાએ દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં એક ડર પેદા કરી દીધો છે. જ્યારે દુશ્મનને ભારતના પરાક્રમનો ડર હોય તો તે સારો છે. જ્યારે આતંકના આકાઓમાં સૈનિકોના શૌર્યનો ડર હોય તો એ ડર સારો છે. જ્યારે ભાગેડુઓમાં પણ કાયદા અને સંપત્તિ જપ્ત થવાનો  ડર હોય તો એ ડર સારો છે.