નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ભાજપના મોટાભાગના સદસ્યોના ગેરહાજર રહેવાને લઈ આજે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ભાજપ સંસદીય દળની બેઠકમાં નારાજગી વ્યક્ત કરતા પીએમ મોદીએ ગેરહાજર રહેતા તમામ સાંસદોની યાદી માંગી છે જે કાલે અધિકરણ સુધાર બિલ 2021 દરમિયાન સદનમાં ગેરહાજર રહ્યા હતા.


રાજ્યસભામાં સોમવારે સંક્ષિપ્ત ચર્ચા બાદ વિપક્ષી સદસ્યોના હંગામા વચ્ચે અધિકરણ સુધાર બિલ 2021ને મંજૂરી આપી દિધી છે. આ બિલમાં ચલચિત્ર કાયદો, સીમા શૂલ્ક કાયદો, વ્યાપાર ચિન્હ કાયદો સહિત ઘણા કાયદામાં સંશોધન કરવાના પ્રસ્તાવ કરવામાં આવ્યા છે.


વિપક્ષે આ બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો અને બાદમાં તેના ઉપર મતવિભાજનની માંગ કરી. પરંતુ મતવિભાજનમાં સદનમાં 44ને મુકાબલે 79 મતોથી વિપક્ષના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. રાજ્યસભામાં હાલમાં ભાજપના કુલ 94 સદસ્યો છે. પ્રધાનમંત્રી મોદી ભાજપ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા માટે સતત કહેતા રહે છે.


પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ભાજપ સંસદીય દળની બેઠકમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓનું ઉભા થઈને સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ પાર્ટીના સાંસદોને પોતાના મતક્ષેત્રોમાં વધુમાં વધુ લોકોને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, પ્રોષણ અભિયાન અને પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ યોજનાને વધારવા માટે પણ સૂચનો કર્યા હતા.


દેશભરમાં NRC લાગુ કરવાનો હાલમાં કોઈ નિર્ણય નહીં, ગૃહ મંત્રાલયે સંસદમાં આપી જાણકારી


કેન્દ્ર સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ને સમગ્ર દેશમાં લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી સંસદમાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે વસ્તી નોંધણી (એનપીઆર) ને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે NRC ને લઈને દેશવ્યાપી પ્રદર્શન જોવા મળ્યા હતા.



ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આવા અનેક સવાલોના જવાબ આપ્યા હતા. વસ્તી ગણતરી 2021 પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે હાલમાં જાતિના આંકડા જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આગામી વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપ અને સેન્સસ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.



અન્ય એક સવાલના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, "ઓગસ્ટ 2019 થી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની બહારથી માત્ર બે જ લોકોએ મિલકતો ખરીદી છે. હવે બહારના લોકો અથવા સરકારને જમ્મુ -કાશ્મીરમાં જમીન ખરીદવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલ પ્રક્રિયાઓનો સામનો કરવો પડતો નથી. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35-A નાબૂદ કરવામાં આવી હતી.



બીજી બાજુ, કોંગ્રેસે લોકસભામાં OBC સંબંધિત સુધારા બિલને ટેકો આપ્યો છે. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું કે કેન્દ્ર સરકારે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાનું વિચારવું જોઈએ જેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને અન્ય ઘણા રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે. કોંગ્રેસના નેતાએ તેમની પાર્ટીની સરકારો દરમિયાન ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કર્યો હતો.